વડોદરાઃ સંસ્કારીનગરી વડોદરાની જાણે દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. દરરોજ કાં તો હત્યાના સમાચાર કાં તો ચોરીના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે અહીં એક યુવાન ગુમ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં છાણી વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પર ગત સાંજે 2 યુવાન સાઈકલિંગ કરવા ગયા હતા. તે દરમિયાન તેઓ સેલ્ફી લઈ રહ્યા હતા. જોકે, ત્યાંથી એક ગાડી પસાર થતાં બંને યુવાનોએ સાઈકલ પરથી કાબૂ ગુમાવ્યો ને બંને કેનાલમાં પડી ગયા હતા. આમાંથી એક યુવકનો તો આબાદ બચાવ થયો, પરંતુ એક હજી પણ ગુમ છે, જેની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચોઃ વલસાડની પાર નદીમાં ડૂબી જતાં બે વિદ્યાર્થીના મોત
કાર નીકળતા ચમકી જતા કાબૂ ગુમાવ્યોઃ મળતી માહિતી મુજબ, શહેરના નિઝામપુરા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને ડી. આર. પટેલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો દેવ મોરે તેના વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં રહેતો અને ધોરણ 11માં ભણતા પ્રભદેવ સિંહ સાથે ગત સાંજે 6 વાગે ઘરેથી છાણી કેનાલ પાસે સાઈકલિંગ કરવા નીકળ્યો હતો. તે વખતે બંને સેલ્ફી લેવા સાઈકલ સાથે કેનાલની પાળી પર ચડીને ઊભા રહ્યા હતા. ત્યારે જ ત્યાંથી કાર પસાર થતાં બંનેએ કાબૂ ગુમાવતા સાઈકલ સાથે કેનાલમાં પડી ગયા હતા. તે દરમિયાન સ્થાનિકોએ બંનેને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર બ્રિગેડની ભારે જહેમત: આ બંને વિદ્યાર્થી સાઈકલ સાથે કેનાલમાં પટકાતા સ્થાનિક મજૂરી કામ કરતા લોકો જોતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંને વિદ્યાર્થીઓને ડૂબતા જોઈ પહેલા તેમણે બંનને બચાવવા સાડી પાણીમાં ફેંકી હતી, પરંતુ સાડી ટૂંકી પડતા એક શ્રમજીવીએ કેનાલમાં છલાંગ લગાવી હતી. તે દરમ્યાન પ્રભદેવ સિંહ નામના વિદ્યાર્થીને બચાવી લીધો હતો. જ્યારે દેવ મોરે નામનો વિદ્યાર્થીનો કોઈ જાણકારી મળી નહતી કે, તે ક્યાં ગયો. આખરે આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા સાંજનો સમય હોવાથી લશ્કરોએ ફ્લડ લાઇટ લગાવી યુવકની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ આતોપત્તો લાગ્યો નહોતો.
આ પણ વાંચોઃ Mahisagar news : સુજલામ સુફલામ કેનાલમાં બે યુવકો ડૂબ્યા એક સલામત મળ્યો, બીજો...
ફાયર ઓફિસર શું કહે છે: આ અંગે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈ કાલે સમી સાંજે કૉલ માળતા જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂની કામગીરી કરી હતી, પરંતુ સાંજનો સમય હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી હતી. તેમ છતાં ફ્લડ લાઈટના સહારે શોધખોળ કરી હતી, પરંતુ માત્ર વિદ્યાર્થીની સાઈકલ મળી આવી હતી. વહેલી સવારથી રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે અને મૃતદેહની શોધખોળમાં સમય લાગી શકે છે.