હૈદરાબાદ: ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની સરહદે આવેલા રાજસ્થાનના ખુબજ લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હળવી હિમવર્ષા થતાં સહેલાણીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા છે.
આબુની કુદરતી સૌંદર્ય અને ડિસેમ્બર મહિનાની ફુલ ગુલાબી ઠંડીને માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુમાં ઉમટી રહ્યાં છે, આ દરમિયાન 29 ડિસેમ્બરના રોજ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો વધુ ગગડતા હળવી હિમવર્ષા નોંધાઈ છે.
સહેલાણીઓની પાર્ક કરેલી કાર ઉપર બરફની સફેદ પરત પથરાયેલી જોવા મળી હતી. આ ઉપરાંત પોલો ગ્રાઉન્ડમાં ઘાસ પર પર બરફની સફેદ ચાદર પથરાયેલી જોઈને સહેલાણીઓ મંત્રમુગ્ધ થઈ ગયાં છે અને બરફનો આનંદ માણીને હર્ષની લાગણી અનુભવી રહ્યાં છે.
આ ઉપરાંત નક્કી લેકમાં પણ હળવી બરફની પરત જોવા મળી હતી. આમ શિયાળાની અસલી ઠંડી હાલ માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે, અને આ ઠંડીને માણવા માટે ગુજરાત, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં ઉમટી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને હાલ મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુ આવી રહ્યાં છે.