જેતપુર: જેતપુરનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવા બાબતે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે 'સેવ પોરબંદર સી' નામની સંસ્થા દ્વારા અનેક જલદ કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે. આજે રવિવારે ચોપાટી ખાતે મહાન સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ આ અભિયાનમાં લોકો જોડાઈ તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાનો વિરોધ
સેવ પોરબંદર સી સંસ્થાના નુતનબેન ગોકાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ ભોગે પોરબંદરના દરિયામાં જેતપુરનું કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી દરિયામાં નહીં આવવા દઈએ અને આ માટે કોઈપણ લડત હશે તો લડીશું અને એક ઝુંબેશ ચલાવીને સોશિયલ મીડિયા તથા રૂબરૂ સમ્પર્ક કરીને આ પ્રયાસ થઈ રહ્યા છે. પોરબંદરમાં ખારવા સમાજ સહિત તમામ સમાજો અને વેપારીઓ દ્વારા ગુજરાતભરના લોકો એ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. છતાં સરકાર ટસની મસ નથી થતી. આમા હવે વધુમાં વધુ લોકો જોડાઈને સરકારને આ બાબતે ઉગ્ર રજુઆત કરશે.
લોકોને અભિયાનમાં જોડાવવા અપીલ
પોરબંદર ચોપાટી પર આજે સેવ પોરબંદર સી ગ્રુપ દ્વારા સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને જેતપુરના ઉદ્યોગના પાણીની યોજનાના વિરોધમાં QR કોડ સ્કેન કરી અભિયાનમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી. અનેક લોકોએ QR કોડ સ્કેન કરીને વેબસાઇટના માધ્યમથી 'સેવ પોરબંદર સી' ને સમર્થન આપ્યું છે અને જેતપુરના ઉદ્યોગોનું પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવાની યોજ રદ કરવા માટે માછીમારો સહિત સામાજિક આગેવાનો તથા ખેડૂતો દ્વારા પણ મહેનત કરવામાં આવી રહી છે.
માછીમારો, ખેડૂતોને નુકસાનની ભીતિ
આગામી દિવસોમાં જેતપુરના ઉદ્યોગનું પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવામાં આવશે તો માછીમારો, ખેડૂતો અને પોરબંદરવાસીઓને મોટા પાયે નુકસાન થવાનું માછીમારો તથા સામાજિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું, અને જો આ યોજના રદ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પોરબંદરની જનતા સહિત માછીમાર સમાજ અને સામાજિક સંસ્થાઓ દ્વારા આકરો વિરોધ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: