સુરત : તાજેતરમાં સુરતની એક બેંકમાં ચોરી થયાનો ચકચારી બનાવ બન્યો હતો. સુરત પોલીસે 11 દિવસની મહેનત બાદ આંતરરાજ્ય ગેંગના આઠ સાગરીતોને 50 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી ચોરીની તમામ માહિતી આપી હતી. જાણો સમગ્ર મામલો...
યુનિયન બેંકમાંથી 1.4 કરોડની ચોરી : આ મામલે મળતી વિગત અનુસાર કીમ ચાર રસ્તા નજીક આવેલ યુનિયન બેન્કમાં ગત 16 ડિસેમ્બરના રોજ બનેલ ચોરીની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. તસ્કરો બેંકના પાછળના ભાગે આવેલ એક ખાનગી ઓફિસની અંદરથી બેંકના લોકર રૂમની કોન્ક્રીટની દિવાલ તોડી લોકર રૂમમાં પ્રવેશ્યા હતા. બાદમાં લોકર કાપી 1.4 કરોડની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
કેવી રીતે ઘુસ્યા બેંકમાં તસ્કરો ? સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ ચાર રસ્તા નજીક તસ્કરોએ યુનિયન બેકમાં ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો હતો. બેંકની પાછળના ભાગે આવેલ એક ખાનગી ઓફિસનો દરવાજો તોડી બેંકના દિવાલમાં બાકોરું પાડ્યું હતું. બાદમાં 6 જેટલા લોકર તોડી 1 કરોડ 4 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડાની ચોરી કરી ભાગી ગયા હતા.
8 તસ્કરો ઝડપાયા, માસ્ટર માઈન્ડ ફરાર: આ ચોરીના ગુનાનો ભેદ સુરત ગ્રામ્ય પોલીસે માત્ર 10 દિવસમાં ઉકેલી કાઢ્યો હતો. આ કેસમાં અલગ અલગ રાજ્યોમાંથી 8 તસ્કરોને ઝડપી કુલ 53.58 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. હજી માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર ત્યારે પોલીસે ઝડપાયેલા આઠ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવ્યા અને તેમની પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
આરોપીઓએ કરી ગુનાની કબૂલાત : પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી હતી. લોકર રૂમની દિવાલમાં બાકોરું પાડવા માટે જે સાધન વાપર્યા હતા, તેની રિકવરી કરવા માટે પોલીસે ઉલટ તપાસ કરતા આરોપીઓએ કબૂલાત કરી કે, ચોરી કર્યા બાદ આ સાધનોને બેંક નજીક આવેલી કીમ ચાર રસ્તાની ખુલ્લી ગટરમાં ફેંકી દીધા હતા. આરોપીઓને સાથે રાખી પોલીસે તપાસ કરતા તમામ સાધનો મળ્યા હતા, જેમાં દિવાલ તોડવા માટે બ્રેકર, બે ગ્રાઇન્ડર અને સળિયા કાપવા માટે સંખ્યાબંધ તથા દીવાલ તોડવા માટે ઉપયોગ લીધેલ લોખંડની કોષ મળી હતી.