વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી દૂષિત પાણીની સમસ્યાને લઈને કોર્પોરેશનના પેટનું પાણી પણ હલતું નથી અને પાણીની સમસ્યાને તંત્ર ગંભીરતાથી લેતું ન હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. જો કે, આ ફરિયાદો વચ્ચે વડોદરા શહેરના પ્રથમ નાગરિક અને મેયર ડૉ. જીગીશા શાહ તેમજ વડોદરા શહેર સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા આ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિકોના રોષનો સામનો પણ કરવો પડયો હતો. જો કે, આ સમગ્ર મામલે હાલ તો વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રયાસો બાદ હાલ પીવાના પાણીની ક્વૉલિટી હવે સુધરી રહી છે, તેવા દાવા કરે છે. જો કે, પાણી નિમેટાથી ટાંકીઓ સુધી સારૂં મળે છે, પરંતુ ટાંકીઓથી વિતરણ થયા બાદ લોકોના ઘર સુધી પહોંચે છે, તેમાં પાણી દુષિત, માટીવાળું અને પીળું આવે છે. આ ટાંકીઓમાં અગાઉથી જે માટી અને કાદવ કિચડ જામેલા છે, તેની સફાઈ કરવાનું વડોદરા શહેરના મેયરે જણાવ્યું હતું. પાણીની આ સમસ્યાને લઈને વડોદરા શહેરમાં આવતી તમામ પાણીની લાઈનો અને પાણીની ટાંકીઓ ફરી વખત સફાઈ કરવામાં આવશે. જેથી શહેરીજનોના ઘરે શુદ્ધ પાણી પહોંચી શકે.