વડોદરાઃ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અને નાગરિકોને રોજગાર માટે પ્રવાસમાં કન્સેશન આપવા પાસ સુવિધા આપે છે. જો કે આ એસ.ટી. બસ મુસાફરીના પાસ સમયસર ન મળતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને હાલાકી પડી રહી હોવાના અનેક કિસ્સા અવારનવાર બને છે. જેમાં વડોદરાના ડભોઈ એસ.ટી. ડેપોમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. ડભોઈના વિદ્યાર્થીઓને સમયસર બસ પાસ મળી રહ્યા નથી. જેથી એસ. ટી. વિભાગની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે.
સર્વર ઠપ્પ હોવાનું શ્રેષ્ઠ સરકારી બહાનુંઃ વહેલી સવારથી વિદ્યાર્થીઓ કતારમાં બસ પાસ માટે ઊભા રહે છે. લાંબો સમય લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ સર્વર ઠપ્પ થઈ જવાના લીધે વિદ્યાર્થીઓ સમયસર બસ પાસ મેળવી શકતા નથી. સર્વર ઠપ્પ હોવાનું શ્રેષ્ઠ સરકારી બહાનું આગળ ધરી દેવામાં આવે છે. આ ઉપરાંત એસ. ટી. કર્મચારીઓ નિયમિત હાજર ન રહેતા હોવાની ફરિયાદ પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. રાજ્ય સરકાર શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા માટે કરોડો ખર્ચી રહી છે. જ્યારે અભ્યાસ વાંચ્છું વિદ્યાર્થીઓને જ રાજ્ય સરકારનો એક વિભાગ પાસ આપવામાં આડોડાઈ કરી રહ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પણ વિપરીત અસર પડી રહી છે. સોફ્ટવેર બદલ્યું હોવાનું પણ વિદ્યાર્થીઓને જણાવીને રવાના કરવામાં આવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓની શાળા કોલેજના નામ કોમ્પ્યૂટરમાં અપડેટ ન હોવાથી પાસ ન નીકળે તેમ કહીને પણ પાસ આપવામાં આવતા નથી.
ડભોઈ એસ.ટી. ડેપોની અનેક સમસ્યાઓઃ વિદ્યાર્થીઓને અવનવા બહાના બતાવીને છેલ્લા કેટલાક દિવસથી બસ પાસ નથી મળી રહ્યા. આ સિવાય ડભોઈ એસ.ટી. બસ ડેપોની બીજી પણ સમસ્યાઓ મુસાફરોને કનડી રહી છે. જેમાં સીસીટીવીની અનિયમિત સુવિધા, એસ. ટી. ડેપોની બહારથી જ ખાનગી વાહનોની ખેપ વાગે છે. આ ખાનગી વાહનોમાં નિયમ કરતા વધુ પેસેન્જર્સ ભરવામાં આવે છે. અવારનવાર આ ખાનગી વાહનો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. આ દરેક સમસ્યાઓ મુસાફરો વગર વાંકે વેઠી રહ્યા છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે રાજકીય આગેવાનો, કાયદા વિભાગ અને સ્થાનિક તંત્ર વગેરે આગળ આવે તેવી વિદ્યાર્થીઓ અને મુસાફરોની માંગ છે.