વડોદરા/ડભોઇ: ડભોઇમાં મહાત્મા ગાંધીજી અને ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉપરથી ચશ્માની કોઈએ ઉતારી લીધા કે પછી તોફાની કૃત્ય કરી મજાક ઉડાવી છે ? આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે. આ બંને વિસ્તારમાં જ્યાં આ મૂર્તિ આવેલી છે ત્યાં આસપાસમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે. પરંતુ સતત ચશ્મા લુપ્ત થવાની ઘટનાઓ બનતા તંત્ર નિંદ્રાધીન હોય એવું આ ઘટના પરથી કહી શકાય છે. આ મામલે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું ત્યારે મહત્વની સ્પષ્ટતા કરી હતી. તેમણે એક એવી ખાતરી આપી હતી કે, જવાબદાર શખ્સો સામે પગલાં લેવાશે અને સીસીટીવી ચેક કરાશે.
"જાગૃત નાગરિકોના માધ્યમથી ફરિયાદ મળી છે કે, નગરમાં આવેલ મહાત્મા ગાંધીજીની અને ડો. બાબાસાહેબ આંબેડકરની પૂરા કદની પ્રતિમા ઉપરથી કોઈએ ચશ્મા ઉતારી અટકચાળુ તોફાની કૃત્ય કર્યું છે. આ પ્રકારના બનાવ ભૂતકાળમાં પણ બનેલો હતો. જેમાં તંત્ર દ્વારા પ્રતિમાને પુનઃ ચશ્મા પહેરાવવામાં આવ્યા હતા. આ ઘટના ફરી એક વખત બનતા નગરપાલિકા તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરવામાં આવશે. આ બાબતે સંબંધિત પોલીસ અધિકારીઓને પણ આ અંગે કાર્યવાહી કરવા જણાવવામાં આવશે. તેમજ બંને પ્રતિમા ઉપર તત્કાળ પુનઃ ચશ્મા લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે"-- જયકીશન તડવી (ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર )
નેતાઓની પ્રતિમા ઉપરથી ચશ્મા લુપ્ત: થોડા દિવસ પૂર્વે જ મહાત્મા ગાંધીજી અને ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉપરથી ચશ્માની કોઈએ ઉતારી લીધા કે પછી તોફાની કૃત્ય કરી મજાક ઉડાવી છે ? આ બાબત અંગે સ્થાનિક જાગૃત નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ નાગરિકો દ્વારા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ વહીવટી તંત્રની નિષ્કાળજી અને ઘોર નિંદ્રા ની અવસ્થાને કારણે આ ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી થવા પામી છે. આપણા દેશના ઘડવૈયા નું ઘોર અપમાન થઈ રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર સવેળા પગલાં ભરે તે હાલના સમયની માંગ છે.
છેડછાડ કરવાવાળા તત્વો: આ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. જેના કારણે આવા તત્વો આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત દાખવી રહ્યા છે. દેશ નેતાઓની પ્રતિમા સાથે છેડછાડ કરવાવાળા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ અને આવા બનાવો ફરીથી ન બને તે માટે તંત્રએ પણ પૂરતી તકેદારી રાખવી જોઈએ તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી છે.