વડોદરા: સમગ્ર રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને લઇ તંત્ર એલર્ટ થયું છે. કચ્છ સહિત છ જિલ્લામાં એલર્ટ આપ્યું છે, ત્યારે વડોદરાના જરોદ NDRF 6 બટાલિયનની કુલ 13 ટીમ સાથે ગાંધીનગરની 02 સહિત કુલ 10 ટીમ હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
SDRFની 17 ટીમ તૈયાર: આ સ્થિતિને પહોંચી વળવા વધારાની SDRFની 17 ટીમ તૈયાર છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે એરફોર્સ, નેવી ,આર્મી સહિતની વિવિધ ટીમો પણ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાના જિલ્લામાં અસર કરે તેવી શક્યતાને જોતા ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ સમગ્ર સ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવી રહી છે.
"જો વધુ NDRFની ટીમની જરૂરિયાત હશે તો 2 ટીમો વડોદરાના જરોદ અને 2 ટીમ ગાંધીનગરથી મોકલવામાં આવશે.હાલમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિને લઈ સમગ્ર ગુજરાતમાં NDRF 6 બટાલિયનની કુલ 10 ટીમ તૈનાત છે. જેમાં જરોદ સેન્ટરની 08 અને ગાંધીનગરની 02 ટીમ છે. વધુ જરૂરિયાત ઊભી થશે તો હજુ 2-2 ટીમ સ્ટેન્ડ બાય જે જરૂરિયાત અને આદેશ મુજબ મોકલવામાં આવશે" --અનુપામજી (NDRFના ડેપ્યુટી કમાન્ડર)
જવાનો સાથે પ્રધાનોને જવાબદારી: હાલમાં રાજ્યમાં બિપરજોય વાવાઝોડું કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, દિવ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં જીલ્લોમાં વધુ અસર કરી શકે છે. જેને પગલે તંત્ર એલર્ટ બની તે તમામ જીલ્લોમાં વધુ સ્થિતિ વણસે તો રાહત અને બચાવ કાર્ય માટે NDRFની તૈનાત છે. સાથે સ્થાનિક પોલીસ પ્રશાસન પણ ખડેપગે જોવા મળી રહ્યું છે. આ સાથે તારીખ 14મી જૂનથી વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે અને આ સ્થિતિના પગલે સમગ્ર વિસ્તારમાં તીવ્ર ગતિથી પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ પડી શકે છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર આપત્તિ વ્યવસ્થા આયોજન અને કામગીરી માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 9 જેટલા પ્રધાનોને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી સરળતાથી આ અપદા નિવારી શકાય.