- ઝીણવટભરી તપાસ માટે પોલીસે 10 દિવસના રિમાન્ડની માગ કરી
- કોર્ટે 2 દિવસના રિમાન્ડના મંજૂર કર્યા
- પ્રશાંત ઉપાધ્યાયની 2 સેવિકા પોલીસ પકડથી દૂર
વડોદરાઃ પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે તેની ધાર્મિક માયાજાળમાં કેટલી મહિલાઓને ફસાવી છે અને તેમનું શારીરિક શોષણ કર્યું છે. તેની ઉંડાણ પૂર્વક તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત પ્રશાંતે તેના મોબાઇલમાં પીડિતાનો વીડિયો ઉતાર્યો હતો. તે વીડિયો અને પ્રશાંતનો મોબાઇલ કબજે કરવાના પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આરોપી પ્રશાંત ઉપાધ્યાયને પોલીસે કોર્ટમાં રજૂ કરી વિવિધ મુદ્દાની ઊંડી તપાસ માટે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પાખંડીની 2 સેવિકા હજી પણ પોલીસ પકડથી દૂર
બીજી તરફ ગોત્રી પોલીસને પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની 2 સેવિકા દીક્ષા જસવાની ઉર્ફે સીમા અને ઉન્નતિ જોષીનો હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી. પોલીસ અલગ-અલગ ટીમો બનાવીને બંનેની શોધખોળ કરી રહી છે.
પોલીસે શોધખોળ શરૂ કરી
અગાઉ બહાર આવ્યું હતું કે, દીક્ષા હાલ દુબઇ છે. જોકે તે દુબઇમાં જ છે કે નહીં તેના કોઇ પૂરાવા મળ્યા નથી. ગુજરાતી ફિલ્મોની હિરોઇન ઉન્નતિ જોષીની પણ શોધખોળ શરૂ કરી છે. જોકે ઉન્નતિ જોષી હાલ ક્યાં છે. તેના વિશે પોલીસને હજી સુધી કોઇ જ માહિતી મળી નથી. જેથી તેનાં આશ્રયસ્થાનોની માહિતી મેળવી તપાસ શરૂ કરાઇ છે.