શહેર તેમજ સમગ્ર રાજ્યમાં ચકચારીત નવલખી દુષ્કર્મ કેસના બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ ઓળખ પરેડ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ બંને આરોપીઓને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં લઈ જવાયા હતા. જોકે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા શહેર પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આરોપીઓને સાથે રાખી સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે તેમજ બંને આરોપીઓના મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યા છે તેવુ જણાવવામાં આવ્યું હતું. જોકે સગીરા સાથે દુષ્કર્મના બંને આરોપીઓને પહેલી વખત બે નકાબ કરી ખુલ્લા મોઢે મીડિયા સમક્ષ લાવવામાં આવ્યા હતાં.