વડોદરા: ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેની સામે લડવા માટે કેન્દ્ર સરકાર તરફથી કેટલીક સાવધાનીઓ રાખવામાં આવી રહી છે. દેશના અનેક રાજ્યોમાં સ્કુલ, કોલેજ અને થિયેટર બંધ કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસને પગલે સાવચેતીના ભાગરૂપે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા કોર્ટમાં પ્રવેશતા વકીલો અને પક્ષકારોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.
ગતરોજ વહેલી સવારથી જ થર્મલ સ્કેનિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. 99થી વધુ તાપમાન આવનારા લોકોને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. વડોદરા વકીલમંડળે જણાવ્યું હતું કે, વકીલો અને પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ કરતા પહેલા થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે અને જે વકીલો અને પક્ષકારોનું ટેમ્પરેચર હાઇ જણાશે તેમને કોર્ટમાં પ્રવેશ કરવા દેવાશે નહીં. આ સ્કેનિંગ કરવામાં વ્યક્તિ દીઠ 5 સેકન્ડ લાગતી હોવાથી દરેક લોકોએ સહકાર આપ્યો હતો. જોકે આરોગ્ય વિભાગની ટીમ પાસે માત્ર એક જ થર્મલ સ્કેનિંગ મશીન હોવાના કારણે લોકોને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.