વડોદરા શહેરમાં દેશમાં બંધારણ સ્વીકારવાની 70મી વર્ષગાંઠે સમરસતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી સમરસતા દિવસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બંધારણીય ફરજો વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી તમામ જિલ્લાઓ અને દેશના દરેક ક્ષેત્રોમાં આવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
દેશનું બંધારણ ભારતની વિવિધતામાં એકતા પ્રસ્થાપિત કરે છે. બધા જ ધર્મ, જાતિ, સંપ્રદાયના લોકોને સમરસતા અને સૌહાર્દ સાથે જીવવા માટે મૂળભૂત બંધારણીય હકો આપવામાં આવ્યા છે. સાથે સાથે લોકોની દેશ પ્રત્યેની બંધારણીય ફરજો પણ સંવિધાનમાં બતાવવામાં આવી છે. શહેરમાં યોજવામાં આવેલ કૂચમાં વડોદરા ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં તમામ ન્યાયાધીશો, સરકારી વકીલો, આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ, વકીલો તથા સ્ટાફના કર્મચારીઓએ જોડાઈને આ કૂચને સફળ બનાવી હતી. અને સાથે સાથે શહેરના વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો પણ જોડાયા હતા.