વડોદરા: વડોદરામાં ગણેશોત્સવને લઇ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 9 ફૂટથી વધુ મૂર્તિ નહીં રાખી શકાય. જે મામલે કોંગ્રેસે આજે પોલીસ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આ જાહેરનામું પાછું ખેંચવાની માંગણી કરી હતી.
જાહેરનામું પાછું લેવા રજૂઆત: ગણેશોત્સવને લઈ વડોદરા પોલીસ વિભાગ દ્વારા જાહેરનામાને લઈને ગણેશમંડળ આયોજકો અને મૂર્તિકારો મૂંઝવણમાં મુકાયા હતા. ત્યારે કોંગ્રેસે જાહેરનામું પાછું લેવા રજૂઆત કરી હતી. પોલીસે આવેદનપત્ર ન સ્વીકારતા આવેદન પત્રની કોપી પોલીસ ભવાનની દીવાલ પર ચોંટાડી દીધી હતી. જો કે કોંગ્રેસના નેતાઓ પોલીસ ભવનની બહાર નીકળે તે પહેલા જ પોલીસે આવેદનપત્રની કોપી હટાવી દીધી હતી.
વડોદરામાં વર્ષોથી ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. છ-આઠ મહિનાઓથી મૂર્તિ બનાવવાનું કામથી માંડીને તમામ ડેકોરેશન સુધીના કામ માંડીને લોકો બહાર મુંબઈ કે વડોદરાની બહારથી મૂર્તિ લાવતા હોય છે. આ વાતની જાણ ગુજરાતની ભાજપ સરકારને છે અને વડોદરાના તમામ ભાજપના નેતાઓને પણ છે. હિન્દુત્વની વાતો કરતી ભાજપ સરકારે વડોદરાની પ્રજાની લાગણી દુભાય એવા પરિપત્રો અને પ્રતિબંધો લાવવાનું કામ કર્યું છે. - ઋત્વિજ જોષી, શહેર કોંગ્રેસ પ્રમુખ
પોલીસ ભવનની દીવાલ પર રજુઆત ચોંટાડી: ઉપરાંત તેમણે જણાવ્યું કે આવા તઘલખી નિર્ણયો ચાલે નહીં. તાત્કાલિક આવા ફરમાનો પાછા લેવા જોઈએ. કારણ કે ગણપતિ જે મંડળો છે તે કેટલાય મહિનાઓથી તૈયારી કરતા હોય છે. ત્યારે આવા ફરવાનો તાત્કાલિક પાછા લેવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે. અધિકારીને મળવાનો સમય માંગ્યો હતો. પરંતુ માગેલા સમય દરમ્યાન કોઈ અધિકારી ન મળતા પોલીસ કમિશ્નર કચેરી બહાર આ આવેદનપત્ર ચોંટાડીને અમારી રજૂઆત કરી છે.