વડોદરાઃ જિલ્લાના સાવલી ખાતે ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસના કાર્યકરોએ કૃષિ બિલના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી સરકાર વિરોધી નારેબાજી કરતાં સાવલી પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 9 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.
ગાંધી જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુજી સત્યના આગ્રહી હોવાના કારણે તેમજ સરકારના ખોટા નિર્ણયો સામે સત્યાગ્રહ કરી મોરચો માંડી અહિંસક રીતે લડીને દેશને અંગ્રેજો સામે આઝાદી અપાવી હતી. જેના પગલે સાવલી કોંગી કાર્યકરો દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકોની આગેવાની હેઠળ સાવલી ચોકડી ખાતે પૂજ્ય બાપુજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પમાળા ચડાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ત્યારબાદ કોંગ્રેસી કાર્યકરોએ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા હાલમાં જ ખેડૂત વિરોધી બિલ પસાર કરી ખેડૂતોને ફરી એકવાર ગુલામ બનાવવાની તેમજ ઉદ્યોગપતિઓ-મૂડીપતિઓની પાસે ખેડૂતો વિવશ થઈ જાય અને ખેડૂતોનો પહેલો માલ ઉદ્યોગપતિઓ તેમજ મુડી પતિઓ ખેડૂતોનો સસ્તા ભાવે માલ ખરીદીને બજારમાં મોંઘા ભાવે વેચે તેવી માલેતુજારોને ફાયદો કરાવવાનો કાયદો પસાર કરવાના આક્ષેપ સાથે કોંગી કાર્યકરોએ સરકાર વિરોધી નારેબાજી કરી સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો.
કોંગ્રેસના વિરોધને લઈ સાવલી પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો, ડો પ્યારે સાહેબ, રાઠોડ પટેલ, અમિષ પટેલ સહિતના 9 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ રોડ વચ્ચે જ સૂત્રોચાર કરી વાહન વ્યવહાર રોકીને સરકાર વિરુદ્ધ નારેબાજી કરતાં સમગ્ર વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી.