વડોદરાઃ કમાટીબાગ ખાતે મળેલી ચિંતન બેઠકમાં પૂર્વ સિન્ડિકેટ મેમ્બર, પૂર્વ વિધાર્થી સંગઠન, પૂર્વ સેનેટ મેમ્બર સાથે જાગૃત નાગરિકો એકત્ર થયા હતા. તેમણે સાથે મળીને યુનિવર્સીટી કોમન એક્ટ 2023 કાયદાને પાછો ખેંચવા માટે શું કરવું જોઈએ તે વિષયક વિશદ ચર્ચા વિચારણા કરી હતી.આ કાળો કાયદો ન લવાય તેના માટે આજની ચિંતન બેઠક પછી જન આંદોલન થશે અને સમગ્ર ગુજરાત કક્ષાએ આ આંદોલનને વ્યાપક બનાવીશું.
ગુજરાતની ભાજપની સરકાર દ્વારા ગુજરાતની 8 યુનિવર્સિટીઓને એક કરવા ગુજરાત યુનિવર્સિટી કોમન એક્ટ લાવવાની વાત કરી છે, જેને લઇને એમ.એસ. યુનિવર્સિટીની સ્વાયત્તતા અને સ્વતંત્રતા ખતમ ન થાય તે માટે હિત ચિંતકો, શિક્ષણશાસ્ત્રીઓ, પૂર્વ સેનેટ-સિન્ડિકેટ સભ્યો, વિદ્યાર્થી નેતાઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો આજે અહીં એકઠા થયા છે અને ચિંતન બેઠકનું આયોજન કર્યું છે...નરેન્દ્ર રાવત (સેનેટ મેમ્બર, એમ.એસ.યુનિવર્સિટી)
MSUની આગવી ઓળખ જતી રહેશે: આ કાળો કાયદાના વિરોધનું મુખ્ય કારણ વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને કોમન ન બનાવવી જોઈએ તે છે. આ યુનિવર્સિટીની એક આગવી ઓળખ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી આ અણમોલ ભેટ વડોદરા શહેર અને જિલ્લાના, સમગ્ર ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી રહી છે. એને કાળા કાયદામાં ન દાખલ કરવી જોઈએ. તેથી આજે જન આંદોલનના નિર્માણ માટે આ ચિંતન બેઠકનું આયોજન કર્યું છે. આજે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો એકત્ર થયા છે અને અહીંથી જન આંદોલનની શરૂઆત કરશે.
કોમન એક્ટના ગેરફાયદાઃ આ કાળો કાયદો આવવાથી શિક્ષણ મોંઘુ થશે. એમ.એસ. યુનિવર્સિટીમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ ખતમ થઈ જશે. અહીંનો વિદ્યાર્થી અહીં ભણી નહીં શકે. અહીના ટીચર્સ અને સ્ટાફની ટ્રાન્સફર થશે.