- વાસણા ભાયલી રોડ વુડાના મકાનમાં ઉત્તર ભારતીય સમાજની મહિલાઓએ છઠ્ઠ પૂજા કરી
- મહિલાઓએ ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરી ધન્યતા અનુભવી
- કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે છઠ્ઠ પૂજા કરાઈ
વડોદરાઃ ઉત્તર ભારતમાં છઠ્ઠ પૂજાનું વિશેષ મહત્વ છે, ત્યારે વડોદરામાં રહેતા ઉત્તર ભારતીય લોકોએ છઠ્ઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. શહેરના વાસણા ભાયલી રોડ પર વુડાના મકાનમાં મહિલાઓએ ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી.
જાહેર જળાશયો પર સામુહિક પૂજા પર પ્રતિબંધ
રાજ્યભરમાં કોરોના ગ્રહણ વચ્ચે ઉત્તરભારતીય સમુદાયના લોકોએ પારંપરિક છઠ પૂજા કરી હતી. એક તરફ નદી-તળાવ કાંઠે સામુહિક પૂજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તો ઉત્તર ભારતીય સમાજના લોકોએ ઘર આંગણે જ છઠ્ઠ પૂજા કરી હતી.
સ્થાનિક યુવાનોએ ઘર આંગણે કૃત્રિમ તળાવ બનાવ્યું
વડોદરા નજીક વાસણા ભાયલી રોડ પર જેએન.એનયુ.આર.એમ બીએસયુપી પ્રોજેકટ ફેઝ 2 ના વુડાના મકાનો આવેલા છે, જેમાં અંદાજીત 7000 થી વધુ પરિવારો રહે છે. જેમાંના ઉત્તર ભારતીય લોકો દ્વારા પરંપરાગત રીતે છઠ્ઠ પૂજા કરવામાં આવી હતી. સ્થાનિક યુવાનો દ્વારા ઘર આંગણે જ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જેમાં સમાજની મહિલાઓએ સામુહિક છઠ્ઠ પૂજા કરી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહિલાઓ સંતાનોની પ્રાપ્તિ તેમજ ધન ધાન્યની પ્રાપ્તિ થાય તે માટે વ્રત રાખી ભૂખ્યા રહી છઠ્ઠની પૂજા કરે છે. આ પૂજાનું નદી-કિનારે ખાસ મહત્વ હોવાથી આ વર્ષે કોરોનાના કારણે જાહેર જળાશયો, નદી કિનારે તળાવો પર પ્રતિબંધ હોવાથી મહિલાઓની પરંપરા તૂટે નહીં તે માટે સ્થાનિક યુવાનો દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું અને સરકારની કોવિડ 19 ગાઈડલાઈનના પાલન સાથે ઉત્તર ભારતીય લોકો દ્વારા છઠ્ઠ પૂજા કરી ધન્યતા અનુભવી હતી.