વડોદરા: શહેરના પોર નેશનલ હાઈવે પર ગઇકાલે રાત્રે એક ઈનોવા ગાડી ઢાઢર નદીના બ્રિજ પરથી 40 ફૂટ નીચે નદીમાં પડતાં કારની અંદર બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી, જેમનેે વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રાજસ્થાનના ઝાલોર જીલ્લાના સાંચોડ તાલુકાના ઝાખલ ગામે રહેતાં તેમ જ ખેતી સાથે સંકળાયેલા પુનમારામ પોકરારામ બિસ્નોઈ તેમજ સંબંધીઓ પ્રવીણ ચિખારામ બિસ્નોઈ, મહિપાલ રમેશભાઈ બિસ્નોઈ અને નરેશ મોહન બિસ્નોઈ એમ ચાર વ્યક્તિઓ તારીખ 25 ના રોજ સવારે અંબાજી દર્શન કરવા માટે નીકળ્યા હતા. તારીખ 26 સપ્ટેમબરના રોજ બપોરે અંબાજી ખાતે દર્શન કર્યા બાદ તેઓ ઇનોવા ગાડીમાં પાવાગઢ જઈ રહ્યા હતા પણ રસ્તામાં પાવાગઢ જવાનું મુલતવી રાખીને તેઓ વલસાડ ખાતે રહેતા મિત્રને ઘેર જવા માટે રવાના થયા હતા.
ગઈરાત્રે તેઓ પોર પાસેના નેશનલ હાઈવે પરથી પસાર થતાં હતાં ત્યારે અચાનક ઢાઢર નદીના બ્રિજ પર એક વાહનને ઓવરટેક કરવા જતા ફૂટપાથના ડિવાઇડર પર ટાયર અથડાતાં ઈનોવા ગાડી પલટી ખાઇને નદીમાં ખાબકી હતી. આ અકસ્માતને પગલે ગ્રામજનો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગાડીમાં અંદર ફસાયેલી ચાર વ્યક્તિઓને બહાર કાઢી હતી.
નોંધપાત્ર બાબત એ છે કે ડ્રાઈવરને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા થતાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઈ નથી.