વડોદરા: વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના સ્વર્ગસ્થ પિતા મહેન્દ્રભાઈ ઇનામદારની ચોથી એપ્રિલના રોજ જન્મ તિથિ હોય છે. જેના કારણે ધારાસભ્ય છેલ્લા આઠ વર્ષથી સમુહ લગ્નનું આયોજન કરતા આવ્યા છે. આ સમૂહ લગ્નમાં માત્ર એક રૂપિયો ટોકન લઈને દીકરીઓના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે. જેમાં કન્યાદાનમાં ઘરનાં રાચ રચીલા સહિતની વસ્તુઓનું કન્યાદાન કરિયાવરમાં આપવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આમ છેલ્લા આઠ વર્ષથી ચોથી એપ્રિલના રોજ સાવલી ખાતે કોઈપણ નાતજાતના ભેદભાવ વગર આ કાર્યક્રમ યોજાય છે અને મોટી સંખ્યામાં દંપતિઓ તેમાં ભાગ લેતા હોય છે.
751 નવયુગલો જીવન સંસાર શરૂ: સાવલી ખાતે આવેલ કેતન ફાર્મ હાઉસ ખાતે આ સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં 751 જેટલા નવયુગલો પોતાનો જીવન સંસાર શરૂ કરવા માટે આ સમૂહ લગ્નમાં જોડાઈ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં જોડાયેલ દંપત્તિઓને કન્યાદાનમાં ઘણી બધી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌ મહાનુભવોએ આ નવયુગલોને હૃદયપૂર્વક આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા હતા. આમ સાવલીના ધારાસભ્યની આ સમાજ સેવાને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી. આ સમૂહ લગ્નમાં સમગ્ર પંથકના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ સમૂહ લગ્ન કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો હતો.
આ પણ વાંચો Swayam Ki Avaaz: પ્રેમ રાવતના પુસ્તક 'સ્વયં કી આવાઝ'ના વિમોચનમાં સર્જાયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
મુખ્યપ્રધાનના હસ્તે કન્યાદાન: યોજાયેલ આ સમૂહ લગ્નમાં ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના સ્વહસ્તે આ દીકરીઓને કન્યાદાન કર્યું હતું. તેમજ તમામ નવદંપત્તિને મુખ્યપ્રધાને આશીર્વાદ આપી તેઓનું લગ્ન જીવન ખૂબ જ સફળ રહે અને જીવનમાં તેઓ સુખેથી રહે અને ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા હતા.
આ પણ વાંચો Vadodara News : ગંભીર બેદરકારી, મહત્ત્વની ગાડીને પડતી મૂકી સીએમ ભૂપેન્દ્ર પટેલનો કોન્વોય રવાના
સમાજ સેવાને બીરદાવી: મુખ્યપ્રધાને સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારની આ સમાજ સેવાને બીરદાવી હતી અને તેઓ આજ રીતે સમાજસેવાના અને લોક કલ્યાણના કાર્યો કરતા રહે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે રાજયનાં પ્રધાન મંડળના અન્ય પ્રધાનો અને પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ કેતનભાઇની સમાજ સેવાની ભાવનાને બિરદાવી હતી. આમ સાવલી ખાતે યોજાયેલ આઠમો સમૂહ લગ્ન સમારંભ ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક સંપન્ન થયો હતો.