વડોદરા: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તા. 17મી સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નર્મદા વિકાસ પ્રધાન યોગેશભાઈ પટેલ અને વડોદરામાં કોરોના માટે ખાસ નિમાયેલા OSD ડૉ. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપે સ્વચ્છતા અભિયાન યોજવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે સયાજી હોસ્પિટલ કેમ્પસમાં રાજયપ્રધાન યોગેશભાઈ પટેલ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ , OSD ડૉ.વિનોદ રાવ, હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયર સહિત પાલિકાના પદાધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેમાં પાલિકાની ચાર ઝોનની ચાર સ્વચ્છતાની ટીમો દ્વારા સયાજી હોસ્પિટલના કેમ્પસમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં 150થી વધુ સફાઈ કર્મચારીઓ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે.
અત્રે, ઉલ્લેખનીય છે કે વડોદરામાં કોરોનાનો વ્યાપ દિન પ્રતિદિન વધવા માંડ્યો છે અને શહેર જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓ વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેથી કરીને હોસ્પિટલમાં થતી ગંદકી દૂર થાય અને દર્દીઓ અને તેમના પરિજનોને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડી શકાય તેવા હેતુથી આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સેવા સપ્તાહ અંતર્ગત તા. 20 મી સપ્ટેમ્બર સુધી આ સ્વચ્છતા અભિયાન ચાલશે. જ્યારે બીજી તરફ શહેરમાં ગંદકી કરતાં તત્વો સામે રાજ્યપ્રધાન યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરના તમામ લારી, ગલ્લા, દુકાનોના વેપારીઓને એક અલ્ટીમેટમ આપવામાં આવશે અને જો ગંદકી કરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.