કલ્યાણ નગરના વસાહતીઓને હજી સુધી આવાસ મળ્યા નથી. છેલ્લા ત્રણ વર્ષથી મકાન ભથ્થું પણ નિયમિત મળતું નથી, શુક્રવારના રોજ કલ્યાણનગરના વિસ્થાપિતોએ સામુહિક સુરસાગર તળાવમાં ઝંપલાવવાની ચીમકી આપી હતી. આથી સુરસાગર તળાવ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ફાયર ઇમર્જન્સી સર્વિસનાં સ્ટાફને સુરક્ષા માટે હાજર રાખ્યો હતો.
વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2014માં કલ્યાણનગર વસાહત તોડી પાડી હતી. જે બાદ મહાનગરપાલિકા કલ્યાણનગરના રહીશોને સદંતર વિસરી ગઈ છે. જે કારણે કલ્યાણનગરનાં રહિશોએ તંત્રને યાદ અપાવવા સુરસાગર તળાવમાં ઝંપલાવવા આહવાન કર્યું હતી.
આ ચિમકીનાં પગલે કોર્પોરેશને રહિશોને એ જ જગ્યાએ આવાસ બનાવી આપવામાં આવશે તેવી ખાત્રી અપી હતી. ઉપરાંત કલ્યાણ નગરના વસાહતીઓને જ્યાં સુધી કોર્પોરેશન દ્વારા વસાહત નહીં બને ત્યાં સુધી વૈકલ્પિક જગ્યા તેમજ વૈકલ્પિક જગ્યા માટેની ભાડાની જે તે લાગત હોઈ તે ચુકવવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી. જે બાદમાં વસાહતો તોડી પાડ્યાંને 5 વર્ષનો સમય વીત્યા છતાં વસાહતીઓને કલ્યાણનગરની મૂળ જગ્યાએ વસાહત આપવામાં આવ્યા નથી.
છેલ્લા ત્રણ વર્ષથી ભાડાની લાગત પણ આપવામાં આવી નથી. જે કારણે વસાહતીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે અનેકવાર કોર્પોરેશનમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કલ્યાણનગરના વસાહતીઓને મૂળ સ્થાને રહેણાંક અને ભાડાની લાગત ન ચુકવતા વસાહતીઓએ સુરસાગર તળાવમાં ઝંપલાવવાની ચીમકી આપી હતી.
મહિલા વસાહતીઓ સુરસાગર તળાવમાં ઝંપલાવવા આવી પહોંચતા મહિલાઓની પોલીસે તેમની અટકાયત કરી હતી. જેને પગલે મહિલા વસાહતીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતા.