- આસોજ ગામમાં ડૉ.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપના કરાઈ
- વાઘોડિયાના ધારાસભ્ય,જિલ્લા ભાજપ પ્રમુખે આંબેડકર ચોક નામનું અનાવરણ કર્યું
- હવેથી આસોજ ગામમાં વિકાસ કાર્યો નો પ્રારંભ થશે
વડોદરાઃ શહેર નજીક આવેલા આસોજ ગામ ખાતે આજે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.વિકાસ કાર્યોની કામગીરી પહેલા બાબાસાહેબની પ્રતિમાની સ્થાપના તેમજ ચોકનું બાબાસાહેબ નામકરણ થતા ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ હતી.
ગ્રામજનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા
વડોદરા શહેર નજીકના આસોજ ગામના ચોક ખાતે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા તથા આસોજ ગામના સરપંચ જગદીશભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં બંધારણના ઘડવૈયા અને દલિત સમાજના મસીહા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની અર્ધકદની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.ગામમાં વિકાસ કાર્યોની શરૂઆત પહેલા બાબાસાહેબની તક્તિની સ્થાપના કરતા ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ હતી.
પ્રતિમા સ્થાપના સ્થળને બાબાસાહેબ આંબેડકર ચોકનું નામકરણ કરવામાં આવ્યું હતું.આ તકે આસોજ ગામના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે દલિત-સવર્ણના રાજકારણથી દૂર રહી માનવતાની રાહ પર ચાલવા સમગ્ર ગ્રામજનોને અપીલ કરી બાબાસાહેબ આંબેડકરે દેશ માટે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા.