વડોદરાઃ શહેરમાં એક છેતરપિંડીની ઘટના બની છે. જેમાં યુવતીએ આણંદના એક નકલી પરિવાર બનાવી યુવક સાથે ફૂલહાર કર્યા હતા. ત્યારબાદ આ યુવતીએ યુવક પાસેથી દોઢ લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઇ હતી. જેથી જવાહરનગર પોલીસ દ્વારા યુવતી સહિત આણંદના નકલી પરિવારના 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.
શહેર નજીક આવેલા કરચિયા ગામની બળદેવ નગર ઝૂપડપટ્ટીમાં રહેતા આકાશ કોળી છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જવાહર નગર નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, ગયા વખતે મારા ઘરે કલર કામ માટે આવેલા અકબર નામના વ્યક્તિને મે જણાવ્યું હતું કે, મારે લગ્ન કરવા છે તો કોઈ છોકરી હોય તો બતાવજો, જેથી અકબરે રામપાલ રાજપુતનો સંપર્ક કરાવ્યો હતો. ત્યાર બાદ રામપાલે અન્ય મણિલાલ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવતા તેણે લગ્ન પેટે 50 હજારની માગ કરી હતી અને આકાશ કોળીએ ચુકવણી પણ કરી હતી. ત્યારબાદ આણંદ ખાતે રહેતા પરેશ પંચાલને મળી છોકરી જોવા માટે રાસ ગામે એકલવ્ય એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા.
જ્યાં એક સોનલ નામની છોકરી તથા છોકરીના મામા તરીકે અરવિંદ સોલંકી સાથે મુલાકાત કરી હતી. છોકરી જોઈને લગ્ન નક્કી કર્યા બાદ ફૂલ હારની વાતચીત કરી અરવિંદે સોનલના પિતાની જમીન ગીરવે મકી છે તે છોડવા માટે એક લાખ રૂપિયાની જરૂર છે તેમ જણાવી આકાશ પાસેથી લાખ રૂપિયાની માગ કરી હતી. જે બાદ ગણતરીના દિવસોમાં ફુલહારની વિધિ પૂરી કરી હતી. બીજા જ દિવસે અરવિંદનો કોલ આવતા આકાશે 1 લાખની ચૂકવણી કરી હતી. જેનું કાચું લખાણ આપ્યું હતું. લગ્નના એક માસ બાદ અરવિંદ સોલંકીએ જણાવ્યું હતું કે, બાધા પૂરી કરવા માટે સોનલને તેડી જવાની છે.
આ દરમિયાન સોનલ સોનાની બુટ્ટી, સોનાની ચેન, સોનાનું મંગળસૂત્ર, ચાંદીની ઝાંઝરી, ચાંદીના વિટલા, સોનાની નથડી સાથે લઇ ગઇ હતી. અને ત્યારબાદ સોનલ પરત ન ફરતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સોનલનો પરિવાર અન્ય લોકો સાથે પણ આ પ્રમાણે નાટક રચી સોનલના લગ્ન અન્ય લોકો સાથે કરાવી પૈસા પડાવવાનો ધંધો કરે છે.જેની જાણ થતા જવાહર નગર પોલોસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ સાથે ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે આણંદના પરિવાર પરેશ પંચાલ અરવિંદ સોલંકી, પારુલ ધર્મેન્દ્ર, મણિલાલ સોલંકી અને સોનલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી શોધ ખોળ હાથ ધરી હતી. તપાસ ચલાવી રહેલી જવાહર નગર પોલીસે આણંદ જઈ તપાસ કરી હતી. જ્યાં આ તમામને ઝડપી પાડી વડોદરા લવાયા હતા. જ્યાં તેઓનું પ્રથમ કોરોના ટેસ્ટિંગ કરાવાયા બાદ નેગેટિવ રિપોર્ટ આવતા તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.