- વાનમાં ગુપ્તરીતે સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
- દાહોદના બે શખ્સોની ધરપકડ
- 90 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
વડોદરા : હાલોલથી સાવલી તરફ વાનમાં દારૂની હેરાફેરી થવાની હોવાની ચોક્કસ માહિતીને આધારે સાવલી પોલીસે ખાખરીયા કેનાલ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમી વાળી વાન આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ્સ મળી આવી હતી. આ મામલે પોલીસે દાહોદના બે શખ્સોની અટકાયત કરી હતી. આ સાથે સાવલી પોલીસે 99,440 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ડ્રાઇવિંગ સીટની અંદર તેમજ તેના ટેકામાંથી દારૂની બોટલો મળી આવી
સાવલી પોલીસ સ્ટાફ પંચમહાલ જિલ્લાના હાલોલ રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, એક સફેદ કલરની વાનમાં દારૂનો જથ્થો ભરી હાલોલથી સાવલી તરફ જવાનો છે. જે ચોક્કસ માહિતીને આધારે પોલીસે ખાખરીયા ગામ પાસે વોચ ગોઠવી બાતમી વાળી વાન કાર આવતા જ તેને કોર્ડન કરી અટકાવી હતી. આ ગાડીમાં તપાસ કરતા ચાલક રમેશ બારીયા તેમજ અન્ય એક શખ્સ પરેશ પરમાર બન્ને રહેવાસી દાહોદના જણાઈ આવ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા ડ્રાઇવિંગ સીટ સહિતની તમામ સીટ, તેમજ સીટના ટેકાના ભાગે અતિગુપ્ત રીતે સંતાડેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલ્સ મળી આવી હતી. પોલીસે આ મામલે સંદર્ભે દારૂ, મોબાઈલ ફોન, કાર મળી કુલ 99,440 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.