- કેટલાય લોકો હજી કોરોનાની ગંભીરતા સમજતા નથી
- બાળ યુવક મંડળ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ
- PPE કીટ તથા કોરોના વાયરસનું હેલ્મેટ પહેરી જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો
વડોદરા : સમગ્ર રાજ્યમાં કોરોનાએ હદ વટાવી દીધી છે. વીજળી ઝડપે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેના ખપ્પરમાં રોજેરોજ અનેક લોકો હોમાઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ વહીવટી તંત્ર કોરોનાની ચેઈન અટકાવવા માટે અનેક પ્રયાસ કરીને લોકોને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા વિવિધ માધ્યમો દ્વારા સૂચનો તેમજ અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો હજી કોરોનાની ગંભીરતા સમજતા નથી અને બિનજરૂરી ઘરની બહાર ટહેલવા નીકળી પડે છે. જેના કારણે સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે.
આ પણ વાંચો : કુંભમાં જનાર માટે દિલ્હી સરકારે જાહેર કર્યો આ આદેશ
બાળ યુવક મંડળ દ્વારા જનજાગૃતિ હેતુસર અનોખો પ્રયાસ હાથ ધર્યો
વડોદરા શહેરમાં પણ કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. નગરજનો કોરોના સમા દાનવરૂપી કહેરની ગંભીરતા સમજે અને પોતાનું તથા પોતાના પરિવારનું રક્ષણ થાય તે માટે શહેરના સુલતાનપુરા બાળ યુવક મંડળ દ્વારા જનજાગૃતિ હેતુસર અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો.
ઘરની બહાર ન નીકળવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને કરી અપીલ
યુવકોએ PPE કીટ તેમજ માથે કોરોના વાયરસનું હેલ્મેટ પહેરી પ્લેકાર્ડ સાથે જ્યુબિલીબાગ અમદાવાદી પોળ પાસેના મુખ્ય માર્ગ પર જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. નગરજનોને બિનજરૂરી ઘરની બહાર નહિ નીકળવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને અપીલ કરી હતી.