વડોદરા : ભારત દેશમાં પરિણીત મહિલાઓ કાર્તિક માસના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત રાખે છે. અખંડ સૌભાગ્ય માટે રાખવામાં આવતા આ વ્રતમાં ચંદ્રમાની પૂજા સાથે ખાસ મહત્વ છે. ત્યારે વર્ષોની ચાલી આવતી પરંપરા મુજબ વડોદરાના ખંડેલવાલ સમાજના પરિવાર દ્વારા કરવા ચોથની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 300 ઉપરાંત અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓએ કરવા ચોથનું વ્રત કરી ઉજવણી કરી હતી. આ તકે વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કરવા ચોથનું વ્રત : હિન્દુ સમાજની માન્યતા અનુસાર કરવા ચોથનું વ્રત રાખવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મળે છે. આ વ્રત જે મહિલાઓના લગ્ન થઈ ચૂક્યા છે તે રાખી શકે છે. જેમાં મહિલાઓ પાણી અથવા કંઈ પણ જમ્યા વગર ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને ચંદ્ર દેવતાની પૂજા કરે છે. આ વ્રત પોતાના પતિ માટે રાખવામાં આવે છે. તેમજ જે મહિલાઓ કુંવારી હોય છે તે પણ મનપસંદ પતિ મેળવવા માટે આ વ્રત રાખી શકે છે.
ખંડેલવાલ સમાજ દ્વારા ઉજવણી : હિન્દુ માન્યતા અનુસાર પરિણીત મહિલાઓને કરવા ચોથના દિવસે ચાળણી વડે ચંદ્રના દર્શન કરીને પૂજા કરી કરવા જોઈએ. ચંદ્રની પૂજા કરતી વખતે તેને પાણી ચઢાવો અને પછી તમારા પતિને તિલક કરો અને તેને મીઠાઈ ખવડાવો. ત્યારબાદ તમારા પતિના હાથનું પાણી પીને આ વ્રત પૂર્ણ કરો. કરવા ચોથની પૂજા પૂર્ણ થયા બાદ તમારા પતિ અને વડીલોના આશીર્વાદ લઈને દરેકને પ્રસાદ આપવામાં આવે છે. આ વ્રતને ભારે શ્રદ્ધાપૂર્વક અખંડ સૌભાગ્યવતી સ્ત્રી ઉજવતી હોય છે.