વડોદરા: શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ચોકડી નજીક એક સોસાયટીમાં એક લૂંટારૂ ત્રાટક્યો હતો. તેણે મહિલા અને તેના પુત્રને ચાકુની અણીએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ગભરાયા વિના બૂમરાણ મચાવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને લૂંટારૂને ઝડપી પાડ્યો હતો. હાજર સ્થાનિકોએ માર મારી બાદમાં પોલીસના હવાલે કરી દીધો હતો.
બીજી બાજુ લૂંટારૂને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સોસાયટીના રહીશોએ પાણીગેટ પોલીસ મથકના હવાલે કરવામાં આવેલા લૂંટારૂ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ તેને કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ઝડપાયેલા લૂંટારૂની પૂછપરછ બાદ આ લૂંટારૂઓએ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે, કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.