વડોદરા રાજ્ય સરકારે શહેરના આજવા રોડ પર અનસૂયા લેપ્રસી કેમ્પસના (Anasuya Leprosy Campus) પરિસરમાં હૃદય રોગોની સારવાર માટે સ્ટેટ ઓફ ધી આર્ટ કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અને મલ્ટી સ્પેસિયલીટી હોસ્પિટલ બનાવવાની દરખાસ્તને મંજૂર રાખીને, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તેના નિર્માણ માટે રૂપિયા 22.50 કરોડની રકમ ફાળવવાની વહીવટી મંજુરી આપતો ઠરાવ કર્યો છે. આ નવી સુવિધા એસ.એસ.જી હોસ્પિટલના છત્ર હેઠળ આકાર લેશે.
મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો મહિલા અને બાળ વિકાસ રાજ્ય પ્રધાન મનીષા વકીલે અદ્યતન આરોગ્ય રક્ષક નવી સુવિધા વડોદરાને આપવા માટે મુખ્યપ્રધાનનો હાર્દિક આભાર માન્યો છે. આ સુવિધાથી માત્ર વડોદરા નહિ મધ્ય ગુજરાતના લોકોને ઓછા ખર્ચે અને સરળતાથી હૃદયરોગની સારવાર અને આરોગ્ય રક્ષાનો લાભ મળશે. એનો આનંદ વ્યક્ત કર્યો છે. મધ્ય ગુજરાતમાં ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે.
તબીબી સંસ્થાને મંજૂરી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલને સંલગ્ન હૃદયરોગની સારવાર અને મલ્ટી સ્પેશિયાલીટી સારવારની સુવિધાઓ વિકસાવવા આ સ્ટેટ ઓફ ધી આર્ટ તબીબી સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે. ઠરાવમાં નવી સંસ્થાના નિર્માણને ઝડપી બનાવવા વિવિધ કાર્ય સૂચનાઓ આપવામાં આવી છે. આ અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે મુખ્યપ્રધાન, આરોગ્ય પ્રધાન, રાજ્ય પ્રધાન મંડળમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરતા પ્રધાનો, સાંસદ, ધારાસભ્યો તેમજ પદાધિકારીઓનો આ નવી આરોગ્ય સુવિધા માટે આભાર વ્યક્ત કર્યો છે.