ગોત્રી કોવિડ હોસ્પિટલની નર્સ પત્નીનો હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી
પત્નીની હત્યામાં વપરાયેલી કાર, ધોકો તેમજ મોબાઈલ પોલીસે કર્યો કબ્જે
કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે
આણંદઃ 21 વર્ષના લગ્નજીવન અને બે સંતાનોના જન્મ બાદ પણ પતિના લગ્નેત્તર સંબંધો હોવાના મુદ્દે શંકાઓ કરતી નર્સ પત્નીની કપડા ધોવાના ધોકો માથામાં ફટકારીને હત્યા કરનાર શિક્ષક પતિનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા હરણી પોલીસે આજે હત્યારા પતિની ધરપકડ કરી હતી અને હત્યામાં વપરાયેલો ધોકો તેમજ મૃતદેહનો નિકાલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી હતી.
શિક્ષક પતિના લગ્નેતર સંબંધો હોવાની શંકાએ હત્યા
શુક્રવારે સાંજે પણ ગૃહક્લેશ બાદ શિલ્પાબેન એક્ટિવા પર નોકરીએ જતા હતા તે સમયે પતિ જયેશે તેમને ખોડિયારનગર પાસે અંતરિયાળ માર્ગ પર આંતરી હતી અને એક્ટિવાને રોડ પર મુકાવીને તે પત્નીને પોતાની કારમાં હાઈવે પર પાંજરાપોળ પાસે લઈ ગયો હતો. હાઈવે પર ફરી ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા જયેશે પત્નીના માથામાં કપડા ધોવાનો ધોકો ફટકારી હત્યા કરી હતી. હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે તેમણે પત્નીના મૃતદેહને કારમાં લાવીને તેની એક્ટિવા જ્યાં મુકી હતી તેની નજીક ફેંકી દીધી હતી અને એક્ટિવાને પણ કારની ટક્કર મારી રોડ પર પાડી દીધી હતી. આ સમગ્ર બનાવનો ભેદ ઉકેલાતા હરણી પોલીસે ગઈ કાલે જયેશ પટેલની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
આજે આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે જયેશ પટેલની ધરપકડ કરી હતી. તેમજ તેની પાસેથી હત્યામાં વપરાયેલો ધોકો અને તેની કાર જપ્ત કરી હતી. પત્ની શિલ્પાબેન વારંવાર લગ્નેત્તર સંબંધો અંગે શંકાઓ કરતી હોઈ પરંતું જયેશે તેના કોઈ લગ્નેત્તર સંબંધો નથી તેવુ પોલીસ સમક્ષ રટણ ચલાવ્યું હતું. પત્નીની શંકાઓને ધ્યાનમાં લેતા પોલીસે જયેશનો મોબાઈલ ફોન પણ કબ્જે કરી તેની કોલ્સ ડિટેઈલ રિપોર્ટ મેળવવાની અને સોમવારે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.