વડોદરાઃ કરજણ તાલુકાની ગંધારા સુગર ફેક્ટ્રીમાં શેરડી ભરનારા 2,908 જેટલા ખેડૂત સભાસદો અને શેરડીનું પરિવહન કરનારાઓના નાણાં કારખાનું બંધ થઈ જતાં લાંબા સમયથી ચૂકવવાના બાકી હતા. જે આગામી 6 સપ્ટેમ્બરના રોજ ચૂકવવામાં આવશે. આ અંગે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીના ધારા સભ્ય હોલ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન ઈશ્વર પટેલે આ જાહેરાત કરી હતી.
સહકાર રાજ્ય પ્રધાન ઈશ્વર પટેલે આ રકમના સમુચિત વિતરણ આયોજન અંગે કાર્યકારી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી, રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ડી.પી.દેસાઈ, ખાંડ નિયામક ભરત જોષી, જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ, ગંધારા સુગરના સંરક્ષક અધ્યક્ષ ઘનશ્યામ પટેલ અને શબ્દ શરણ બ્રહ્નભટ્ટ સહિત પદાધિકારીઓ સાથે બેઠક યોજીને કરજણ, શિનોર, ડભોઇ અને વડોદરા તાલુકાના સંબંધિત ખેડૂતો અને અન્ય લેણદારોને આ નાણાં ચૂકવવાના સમુચિત આયોજન અંગે વિચાર વિમર્શ કરીને સૂચનો મેળવ્યા હતા.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે, 6 સપ્ટેમ્બરને રવિવારના રોજ મુખ્યપ્રધાનના હસ્તે ગાંધીનગરથી નાણાં વિતરણનો ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું વડોદરાના વિવિધ તાલુકાઓમાં 31 સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, સતિષ પટેલ, દિલુભા ચુડાસમા, કિસાન મોરચાના સતિષ પટેલ, ધર્મેશ પંડ્યા, પદાધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર દિલીપ પટેલ, સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર જશવંત સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.