ગત્ મહિને વડોદરા શહેરને ધોધમાર વરસાદે જળબંબાકારમાં ફેરવી દેતા વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા હતા. ત્યારે આ પાણીની સાથે વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરો પણ શેરીઓમાં લોકોની વચ્ચે તણાયા હતા. માનવ વસતી અને હિંસક પ્રાણીઓ એકબીજા સાથે તાલમેલથી રહેતા હોય એવું ભાગ્યે જ જોવા કે સાંભળવા મળે છે. મગરોની કુલ 22 પ્રજાતિઓ છે જેમાની વડોદરા શહેરમાં માર્શ પ્રજાતિના મગરોનું સંખ્યા સૌથી વધુ છે. વિશ્વામિત્રી નદી અને કોતરના છીછરા પાણીમાં આ મગરોનું સામ્રાજ્ય જોવા મળે છે.
આ પરિસ્થિતિમાં વન વિભાગ અને ઘાતકી પ્રાણીઓથી બચાવનાર ગુજરાત સોસાયટી દ્વારા મગરોને લોકોના રહેઠાણથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગના આંકડા પ્રમાણે પૂર બાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 52થી વધુ મગર પકડવામાં આવ્યા છે.તદ્ઉપરાંત સાપ અને અજગરના પણ રેસ્ક્યુ કરાયા હતા. શહેરમાં અત્યાર સુધી 5 ફુટથી લઈને 12 ફુટ સુધીના મગરોનું વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ રેસક્યુના સહયોગથી રેસક્યુ કરી સલામત સ્થળે છોડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 500થી વધુ મગરો રહે છે. દર વર્ષે ચોમાસામાં વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર ઉપર આવતા આ મગરો માનવ વસ્તી વચ્ચે જોવા મળે છે.