- માતા કોરોના સંક્રમિત થવાથી 3 વર્ષની પુત્રી માતાથી દૂર થઇ
- કોરોના સંક્રમિત માતાને મળવા બાળકીએ જીદ પકડી
- પિતા રાત્રિ કરફ્યૂમાં દીકરીને કંગારૂ બેગમાં માતાને મળવા લઇ ગયા
વડોદરા : શહેરમાં કોરોનાને કારણે હાલ રાત્રિ કરફ્યુ ચાલી રહ્યું છે. ત્યારે હરણી વિસ્તારમાં આવેલા યજ્ઞપુરુષ રેસિડેન્સીમાં રહેતા જશવંત પાટીલના પત્ની કોરોનાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓને એક 3 વર્ષની પુત્રી છે. માતા કોરોના સંક્રમિત થયા પછી માતાથી દૂર થઇ ગયેલી પુત્રીએ માતાને મળવાની જીદ પકડી અને આક્રંદ કર્યું હતું. માતાનો ચહેરો જોયા વગર 3 વર્ષની દીકરી ઇશાની જમવા માટે તૈયાર ન હતી. જેથી પુત્રીની જીદ આગળ પિતા લાચાર બન્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ: 45 દિવસમાં કોરોનાગ્રસ્ત 35 સગર્ભાઓ માતા બનીને સિવિલ હોસ્પિટલમાંથી પરત ફરી
મહિલા PSIએ આ પરિસ્થિતિમાં દીકરીને લઇ જવા પર પૂછપરછ કરી
કોરોનાના વધતા વ્યાપ વચ્ચે વડોદરા શહેરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યું હોવાથી પિતા મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. અંતે પિતા-પુત્રી ઈશાનીને કાંગારૂ બેગમાં લઇને બાઇક પર હોસ્પિટલમાં જવા માટે નીકળી પડ્યા હતા. અત્યારે રાત્રિ કરફ્યુ ચાલતું હોવાથી જસંવતને પોલીસે રસ્તામાં રોક્યા હતા. પોલીસ સ્ટાફ સાથે હાજર મહિલા PSI કે.એચ રોયલાએ નાની દીકરીને કોરોનાની ચાલી રહેલી પરિસ્થિતિમાં આ રીતે દીકરીને કેમ લઇને નીકળ્યા છો તેની પૂછપરછ કરી હતી.
PSIએ પિતા અને પુત્રીને હોસ્પિટલ અને ઘરે જવા માટે પોલીસ વાનની વ્યવસ્થા કરી
લાચાર બનેલા પિતાએ મહિલા PSIને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. જેથી મહિલા PSIએ પિતા અને પુત્રીને હોસ્પિટલ અને ત્યાંથી ઘરે જવા માટે પોલીસ વાનની વ્યવસ્થા કરી આપી હતી. જ્યારે માતા વગર એકલી પડેલી 3 વર્ષની ઈશાનીને મહિલા PSIએ માતાની હૂંફ આપી હતી અને પિતા-પુત્રી માટે જમવાની પણ વ્યવસ્થા કરી આપી હતી. આમ, મહિલા PSIએ પોતાની ફરજની સાથે સાથે પોલીસ પ્રજાનો મિત્ર અને માનવતાની મહેક પ્રસરાવી હતી.