આ બંને રીઢા ચેન સ્નેચરો ખેડા જિલ્લાના રહેવાસી છે. તેમજ છેલ્લા 19 વર્ષથી વડોદરા ,રાજકોટ ,સુરત સહિતના શેહરોમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચુક્યા છે. આરોપીઓમાંનો મહેશ આ પ્રકારની ચેન સ્નેચિંગ અને વાહન ચોરી મળી 41 જેટલા ગુનોઓનો આરોપી છે. જ્યારે સલીમ ઉર્ફે સોપારી આંગડીયા લુંટ અને ચેન સ્નેચિંગની 12 જેટલી અને એક મર્ડરની ઘટનાઓનો આરોપી છે. આ પ્રકારની ઘટનાઓને લઇને આરોપીઓ રાજ્યની અનેક જેલમાં સજા કાપી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ ધન તેરસના દિવસે પોતાની ગુનાકીય પ્રવૃતિનું મુહૂર્ત કરવા માટે વડોદરામાં રાત્રીના સમયે આવ્યા હતા અને નાઇટ વોક અને એકલ દોકલ પસાર થતાં સ્ત્રી પુરુષોને ટાર્ગેટ કરતા હતા. આ દરમિયાન ધનતેરસના દિવસે શહેરના ગોત્રી વિસ્તારમાં 2 ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.
અગાઉ આ બંને કારેલીબેગ પોલીસ મથકમાં ચેન સ્નેચિંગની ઘટનામાં ઝડપાઇ ચુક્યા છે. પોલીસને બાતમી મળી કે, 2 શંકાસ્પદ ઇસમો શહેરના છાણી રોડ પરથી પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે બંનેનો પીછો કરતા નંદેસરી બ્રીજ પાસેથી બંને રીઢા ચેઇન સ્નેચરોને ઝડપી લીધા હતા. એક તબ્બકે પોલીસને જોતા સલીમે પુરપાટ બાઇક હંકારી હતી અને પોતાની પાસેનું ચોરી કરેલ મંગળ સુત્ર ગળી જવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી પોલીસે તેના મોઢામાંથી ચોરી કરેલ મંગળ સુત્ર પણ કબજે કર્યુ હતુ અને બીજુ સોનુ ગળી ગયો છે કે, કેમ તે જાણવા માટે એક્સ રે પણ કરાવ્યો હતો. પોલીસે હાલ આ બંને પાસેથી 8 જેટલી ચેન, મંગળ સુત્ર અને પલ્સર બાઇક મળીને 3,60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સલીમ ઉર્ફે સોપારી સુરતમાં ચેન સ્નેચિંગની ઘટના દરમિયાન વચ્ચે પડેલા યુવકની છરી મારીને ઘાતકી હત્યા કરી હતી.