વડોદરાઃ વડોદરા સાવલી તાલુકાના ખાખરીયા આઉટ પોસ્ટ નજીકથી પસાર થતા બાઈક સવારને સાવલી પોલીસે બાતમીના આધારે રોકી 2 માઉઝર તેમજ 9 જીવતા કારતૂસ સાથે ઝડપીને જેલ ભેગા કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે સાવલી પોલીસ બપોરના સમયે ખાખરીયા પોલીસ મથક નજીક વડોદરા અને પંચમહાલને જોડતા રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના 2 ઈસમો બાઈક પર માઉઝર રિવોલ્વર સાથે પસાર થવાના છે. જેથી કડક વાહન ચેકિંગ કરી રહ્યાં હતા. તેવામાં સામેથી આવતી એમ.પી. પાસીંગ નંબરની બાઈકને રોકીને અંગ ઝડતી કરતા બંને ઈસમો પાસેથી 2 માઉઝર રિવોલ્વર મળી આવી હતી.
જેમાં વધુ સઘન તપાસ હાથ ધરતા આરોપી મોહન રાઠવા પાસે 5 જીવતા કારતૂસ તેમજ આરોપી સોહન બિલાલા પાસેથી 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તેમજ 3 નંગ મોબાઇલ મળી આવ્યા હતા. જેથી પોલીસે 2 માઉઝર, 3 મોબાઈલ અને બાઈક સહિત રૂપિયા 55,450નો મુદ્દામાલ કબ્જે કરી અમિત મોહન રાઠવા રહે. અલીરાજપુર એમ.પી તેમજ સોહન માંગીલાલ બિલાલા રહે સંગાના અલીરાજપુર એમ.પીની અટક કરી જેલ ભેગા કર્યા છે. જ્યારે કોરોના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. આ બંને રિવોલ્વર કોને આપવા જઈ રહ્યાં હતા તેમજ કોઈ ગુનાહિત કૃત્ય કરવાનું આયોજન હતું કે, કેમ એ દિશામાં તપાસ કરવા તજવીજ હાથ ધરી છે.