- ઉત્તરાયણને લાગ્યું કોરોનાનું ગ્રહણ
- ઉત્તરાયણના પર્વને લઈ શહેરનું પતંગ બજાર સજ્જ
- પતંગ બજારમાં 10થી 15 ટકાનો ભાવ વધારો
વડોદરા : નવા વર્ષનું પ્રથમ પર્વ ઉત્તરાયણ 14 જાન્યુઆરીએ આવી રહ્યો છે. ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોરોનાની દહેશત વચ્ચે વડોદરાનું મુખ્ય પતંગ બજાર ગણાતા માંડવી ગેડીંગેટ રોડ ખાતે પતંગ બજાર સજ્જ થઇ ગયું છે. દર વર્ષ પ્રમાણે આ વર્ષે પતંગ બજારમાં પણ કોરોનાને લઈને નવી પતંગો બજારમાં આવી છે.
પતંગોમાં આ વર્ષે 10થી 15 ટકા ભાવ વધારો
ફેબ્રુઆરી મહિનાથી પતંગ બનાવવાની કારીગરો શરૂ કરી દેતા હોય છે, પણ આ વર્ષે માર્ચ મહિનામાં લોમડાઉન જાહેર થઈ જતા જૂન મહિનાથી પતંગના કારીગરોએ પતંગ બનાવવાની શરૂઆત કરી હતી. આ વર્ષે કોરોનાના કારણે પતંગો 50 ટકા જ બની છે. પતંગોનો વેપાર દીવાળી પછી શરૂ થઇ જતો હોય છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે પતંગોનો વેપાર છેલ્લા પંદર દિવસથી શરૂ થયો છે. છેલ્લા પંદર દિવસમાં 15 થી 20 ટકાનો ધંધો થઇ ગયો છે. આગામી દિવસોમાં પણ વધશે તેવી આશા છે. ઉત્તરાયણના દિવસો નજીક આવતા સુધીમાં પતંગો છૂટકમાં મળવી પણ મુશ્કેલ થઇ જશે. અને પતંગો ઓછી બની હોવાને પરિણામે પતંગોના ભાવોમાં 10થી 15 ટકાનો વધારો થયો છે.
સરકાર દ્વારા કોઈપણ ગાઈડલાઈન જાહેર ન કરતા વેપારીઓ અસમંજસમાં
સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વને લઇ હજૂ કોઇ ગાઇડલાઇન બહાર પાડવામાં ન આવતા વેપારીઓ દ્વીધામાં છે. વેપારીઓ સરકારની ગાઇડલાઇનની રાહ જોઇને બેઠા છે. ગાઇડ લાઇન આવ્યા બાદ બજારમાં તેજીનો પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. વેપારીઓને આશા છે કે, પતંગ બજાર ઉપર કોરોનાની કોઇ મોટી અસર પડશે નહીં. જોકે, ગ્રાહકોને 10થી 15 ટકા ભાવ વધારો ચૂકવવા તૈયાર રહેવું પડશે.
કોરોનાને લઈને જાગ્રતાનો મેસેજ આપતી પતંગો બજારમાં આવી
14મી જાન્યુઆરીના રોજ ત્રણ હોય છે. ત્યારે દર વર્ષ પ્રમાણે પણ આ વર્ષે પતંગ બજારમાં કોરોનાને લઈને આવું નવી પતંગો બજારમાં મૂકવામાં આવી છે અને લોકજાગૃતિનો મેસેજ આપતી પતંગો પણ બજારોમાં આવી છે. આ વખતે બજારમાં ચીની ઉત્પાદનનો બહિષ્કાર કરો, અને આત્મ નિર્ભર બનો, કોરોના સે બચો, વોશ યોર હેન્ડ જેવા કોરોના અંગે લોકોને જાગૃત કરતા સંદેશાવાળી પતંગો બજારમાં આવી છે. આ ઉપરાંત પ્લાસ્ટીક અને કાગળની પતંગો ગ્રાહકોમાં આગવું આકર્ષણ જમાવી રહી છે.