ઉના પંથકના અસરગ્રસ્તોની વહારે વેરાવળ, સુત્રાપાડા, તાલાલા પંથકના યુવાનોએ સેવાયજ્ઞ શરૂ કર્યો
6 હજાર રાશન કીટ અને 500 કેરબા પીવાનું પાણી મોકલ્યુ
વધુ 10 હજાર રાશન કિટો તૈયાર કરવા સેવાયજ્ઞ અવિરત ચાલુ
ગીર સોમનાથ: જિલ્લાના ઉના-ગીરગઢડા અને દરિયાકાંઠાના વિસ્તારો-ગામોમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના કારણે અનેક લોકો બેઘર બની ગયા છે. હાલ આ વિસ્તારમાં વાવાઝોડા બાદ ચાર દિવસથી વીજ પુરવઠો ન હોવાથી લોકો પીવાનું પાણી અને રાશન માટે વલખા મારી રહ્યા છે. ખાસ કરીને ઉનાના અંતરિયાળ ગામોની હાલત સૌથી વધારે કફોડી થઈ છે. વાવાઝોડાની લીઘે ગરીબ અને શ્રમિક વર્ગના લોકોના મકાનો-ઝુંપડાઓના નળીયા અને છાપરા ઉડી જવાની સાથે વરસેલ વરસાદથી ઘરમાં રહેલ ખાઘ સામગ્રી અને અનાજ પલળી ગયુ છે. આમ, કોરોના અને વાવાઝોડાનો બેવડો માર ગરીબ-શ્રમિક વર્ગ પર પડયો છે.
સોશીયલ મિડીયામાં યુવાનોએ ટહેલ કરતા ત્રણ તાલુકામાંથી એક જ દિવસમાં 6 હજાર રાશન કિટ માટે જરૂરી સામગ્રી એકત્ર થઇ ગઇ
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ અસરગ્રસ્ત ઉના પંથકના લોકોને મદદરૂપ થવા વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા પંથકના યુવાનો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યું છે. યુવાનો દ્વારા સોશિયલ મિડીયાના માધ્યમથી ઉનાના અસરગ્રસ્તની મદદ કરવા ટહેલ કરવામાં આવી હતી. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. વેરાવળ, સુત્રાપાડા અને તાલાલાના ગ્રામ્ય વિસ્તારના યુવાનોએ ગ્રુપો બનાવી રાશન કિટ માટે જરૂરી સાધન સામગ્રી આપવા સામેથી આવી રહ્યા હતા. જેના પગલે જે તે ગામમાં એક સ્થળે સામગ્રી એકત્ર કરવા યુવાનો અપીલ કરાઇ હતી. ત્યારબાદ સાંજના સમયે જેટલા ગામોમાંથી મદદ આપવાનું જણાવ્યું હતું. તે ગામોમાં યુવાનોની એક ટીમ રૂબરૂ જઇ એકત્ર કરાયેલ સામગ્રી લઇને વેરાવળ બાયપાસ પાસે એક હોટલ ખાતે એકઠી કરાવ્યું હતુ. ત્યાં તમામ સામગ્રીમાંથી રાશન કીટ બનાવવાનું શરૂ કરી દીઘેલ હતુ. આ સેવાયજ્ઞ થકી એક જ દિવસમાં 6 હજાર જેટલી રાશન કીટો તૈયાર થઇ ગઇ હતી. પ્રતિ એક રાશન કિટમાં ઘઉંનો લોટ, ચોખા, બાજરીનો લોટ, મગ, મસાલા, તેલની બોટલ, ચેવડો પેકીંગ કરવામાં આવેલું છે.
આમ સોશીયલ મિડીયાના સદઉપયોગ સાથે મુશ્કેલીનો સામનો કરી રહેલા ઉના પંથકના અસરગ્રસ્ત લોકોને વહારે યુવાનોએ ખરા સમયે આવી સેવાયજ્ઞ થકી હજારો રાશન કીટો તૈયાર કરી પહોંચાડવાનું કાર્ય હાથ ઘરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. ગઇકાલે એક દિવસમાં તૈયાર થયેલ 6 હજાર રાશન કીટો 11 બોલેરોમાં ભરી ઉના પંથકના અસરગ્રસ્ત લોકોને વિતરણ કરવા યુવાનોની એક ટીમને રવાના કરાઇ હતી. આ સેવાયજ્ઞ આજે પણ ચાલુ રાખી વધુ 10 હજાર રાશન કીટ તૈયાર કરવા યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
પીવાના પાણીના 500 કેરબાનું થયું વિતરણ
આ ઉપરાંત ઉના પંથકમાં લાઇટ ન હોવાથી પીવાના પાણીની પણ મોટી સમસ્યા હોય જેને ઘ્યાને લઇ પાલીના ઉપપ્રમુખ કપીલભાઇ મહેતા, ચેરમેન પ્રહલાદભાઇ શામળા, લોહાણા મહાજન, ગ્રુપના હાર્દીક કક્કડ, પીયુષ પટેલીયા, ઓપો ટીમના યુવાનોએ પીવાના પાણીના 500 કેરબા તથા 108 જેટલી રાશન કીટો તૈયાર કરી હતી. કીટો અને પાણીના કેરબા સાથે માલવાહક વાહનમાં ઉના લઇ જઇ અસરગ્રસ્ત લોકોને વિતરણ કર્યું હતું.