- ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં વિશ્વ નર્સ દિવસની કરાઇ ઉજવણી
- જેમ સૈનિક સરહદ પર લડે છે, તેમ નર્સિસ અત્યારે હોસ્પિટલમાં જંગ લડી રહી છે.
- આપનું જીવન કરુણાસભર છે. આપ જીવનદાતા છો. આપને શત: શત: નમનઃ અંજુ શર્મા
અમદાવાદઃ GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કન્વેશનલ હોલમાં ડીઆરડીઓ અને ગુજરાત સરકારના સહયોગથી ધનવંતરી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં વિશ્વ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલના મુખ્ય અધિકારીઓ અને ચેરપર્સન પણ હાજર રહ્યા હતા.
ધનવંતરી કોવીડ હોસ્પિટલના ચેરપર્સન અંજુ શર્માએ કહ્યું હતું કે, "જેમ સૈનિક સરહદ પર લડે છે, તેમ અત્યારે નર્સ હોસ્પિટલમાં જંગ લડી રહી છે. આપ સૌનું જીવન કરુણાસભર છે. અને હું અહીં આવીને આપની પાસેથી ઘણું બધુ શીખી છું. અને મારા જીવનનો દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે."
માત્ર વ્યાવસાયિક નહી પરંતુ માનવીય ફરજ નિભાવે છે
ધનવંતરી કોવિડ હોસ્પિટલના ચેરપર્સન અંજુ શર્માએ કોવીડ ધનવંતરી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેલ-ફિમેલ નર્સને કહ્યુ કે, "આપ સૌ કોવીડના દર્દીઓની સેવા માટે જીવનું જોખમ ઉઠાવો છો. તેમની કાળજી રાખો છો. તે માટે મને તમારા સૌ માટે માન ઉપજે છે. કોવીડના સમયમાં નર્સ પોતાનું ઘરબાર છોડીને અહીં દર્દીની સેવા કરે છે, તે એક માત્ર વ્યવસાયિક ફરજ નથી, પણ માનવીય ફરજ છે.
ધનવંતરી કોવીડ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ જયદિપ ગઢવીએ નર્સિંગ સ્ટાફને બિરદાવતા કહ્યું કે, "અમને સૌને તમારા પર ગૌરવ છે. કારણ કે તમારા વિના આ જંગને જીતવો અશક્ય છે.”
ધનવંતરી કોવીડ હોસ્પિટલના નર્સિંગ કો-ઓર્ડિનેટર' વિજેશ પટેલે જણાવ્યું હતું કે 12 મે દર વર્ષે વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ સમાજમાં નર્સના યોગદાનને બિરદાવવાનો છે. ખાસ કરીને કોવીડકાળમાં તો તબીબી સેવાની કરોડરજ્જુ સમાન નર્સિગ સ્ટાફનું મહત્વ ઓર વધી ગયું છે.