- જામનગરના બેડી વિસ્તારમાં ધોકા, તલવાર, છરી વડે બે જૂથ વચ્ચે બબાલની ઘટના
- સામાન્ય બાબતમાં બોલાચાલીએ હુમલાનું સ્વરૂપ લીધું
- 4 વ્યક્તિને પહોંચી ઇજા
જામનગર: શહેરના બેડી વિસ્તારમાં આવેલા ચાંદનીચોકમાં બુધવારે સાંજના સમયે યુવાન ઉપર થુંકવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી છ જેટલાં શખ્સોએ ધોકા, તલવાર અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સામા પક્ષે પણ વળતો હુમલો કરવામાં આવ્યો હતો. નજીવી બાબતે થયેલી સામસામી મારામારીમાં પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.
![જામનગરના બેડી વિસ્તારમાં ધોકા, તલવાર, છરી વડે બે જૂથ વચ્ચે અથડામણ......](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:40:24:1620900624_gj-jmr-03-humlo-7202728-mansukh_13052021133930_1305f_1620893370_899.jpeg)
બન્ને પક્ષે સામસામે નોંધાવી ફરિયાદ
જામનગર શહેરના બેડી વિસ્તારમાં ચાંદની ચોકમાં રહેતા ફારૂક કાસમભાઇ ગંઢાર નામનો શ્રમીક યુવાન બુધવારે સાંજના સમયે હુસેની ચોકમાંથી પસાર થતો હતો તે દરમ્યાન ઓવેશ અબ્બાસ સંઘાર નામના શખ્સે પાસે આવીને ફારૂક ઉપર થુંક્યો હતો. જેથી ફારૂકે મારી ઉપર કેમ થુંકે છે તેમ કહેતાં ઓવેશે બોલાચાલી કરી ફારૂકને માર માર્યો હતો. ત્યારબાદ વચ્ચે પડેલાં લોકોએ સમજાવ્યા બાદ મામલો થાળે પડયો હતો. ત્યારબાદ નમાઝ પઢી લીધા બાદ ઘર પાસે પહોંચેલા ફારૂક ગંઢારને ઓવેશ અબ્બાસ સંઘાર, અબ્બાસ જુમા સંઘાર, જાવેદ અનવર સંઘાર, ફારૂક અનવર સંઘાર, અહેમદ રઝા અબ્બાસ સંઘાર, અનવર જુમા સંઘાર નામના 6 શખ્સોએ આંતરીને લાકડાના ધોકા, તલવાર, છરી વડે હુમલો કર્યો હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી.
![જામનગરના બેડી વિસ્તારમાં ધોકા, તલવાર, છરી વડે બે જૂથ વચ્ચે અથડામણ......](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:40:22:1620900622_gj-jmr-03-humlo-7202728-mansukh_13052021133930_1305f_1620893370_576.jpeg)
6 ઈસમોએ હુમલો કરી જાનથી મારી નાખવાની આપી ધમકી
આ હુમલા બાદ સામા પક્ષે ફારૂક કાસમ ગંઢાર, હામિદ ભગાડ, જાકુબ દલ, બસીર કક્કલ અને ત્રણ અજાણયા સહિતના સાત શખ્સોએ જાવેદ સંઘાર સહિતના વ્યક્તિ ઉપર કુહાડી, લોખંડનો પાઇપ, તલવાર અને ધારિયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા સહિત ત્રણ વ્યકિતઓને ઇજા પહોંચી હતી. બેડીમા નજીવી બાબતે થયેલાં સામસામા હુમલામાં ચાર વ્યકિતઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં આ બનાવની જાણ થતાં PSI એમ.બી.ગોસ્વામી તથા સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. તેમજ પોલીસે ફારૂક ગંઢાર ઉપર છ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધી અને સામાપક્ષ જાવેદ સંઘાર ઉપર સાત શખ્સોએ હુમલો કર્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી અને આ બનાવ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો..