- વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને સારા ગણદેવીકર જવેલર્સ દ્વારા આવકારદાયક અભિગમ
- નિરાધાર વિધવા મહિલાઓને રૂ. 5000ની સહાય ચેક આપશે
- 900 પરિવારોને આર્થિક સહાય આપશે
વડોદરા: વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને સારા ગણદેવીકર જવેલર્સના સંયુક્ત ઉપક્રમે સેવાકીય અભિગમ દાખવીને કોરોના મહામારીમાં નિરાધાર વિધવા બહેનોને રૂ. 5000નો સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા. કોરોના મહામારીએ ઘણા બધા લોકોનો ભોગ લીધો છે. છેલ્લા 15 માસમાં કોરોનાનને કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાય પરિવારો એવા હશે કે આવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયા હશે. વડોદરા શહેરના ગણદેવીકર જવેલર્સ દ્વારા કોરોના મહામારીમાં પરિવારના મોભી ગુમાવ્યા હોય તેવા પરિવારો ને વિધવાઓને આર્થિક સહાય કરવાનું નક્કી કરીને શહેરના 900 પરિવારોને 5000 રૂપિયાની આર્થિક સહાય કરી છે.
26 જેટલી વિધવા બહેનોને આપી સહાય
આજે માંજલપુર સ્થિત વ્રજધામ મંદિર ખાતે પૂ. વ્રજરાજકુમારજી મહારાજની ઉપસ્થિતિમાં 26 જેટલી વિધવા બહેનોને 5000ની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેયર, ડેપ્યુટી મેયર, સાંસદ સહિત સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યમાં વી.વાય. ઓ. સંસ્થા પણ જોડાઈ છે. સુનિલ ગણદેવીકર અને તેમના પરિવાર દ્વારા અત્યાર સુધી 900 પરિવારોને કુલ રૂ. 45 લાખની સહાય કરવામાં આવી છે. ઉપરાંત આવા પરિવારો માટે જરૂરિયાત મુજબ રાશન કીટ આપવા તેમજ રોજગારી ઉભી કરવા માટેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.