વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની પહેલા દિવસની ચર્ચાના સમાપનમાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કિસાનો અને ઉદ્યોગોના પ્રશ્નો ઉકેલ લવાયો છે, રોજગારીની વિપુલ તકો ઉભી થઈ છે, એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર આવતી રહે છે. ગુજરાતમાં મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ છે. જેના પરિણામે લોકોને ઓછી આપદા પડે છે અને એટલે જ ગુજરાત આખા દેશમાં સર્વશ્રેષ્ઠ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ બીજીવાર ન મળે એમ કહીને પટેલે જણાવ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં એવી તાકાત છે, જે આખું વિશ્વ આજે ભારતને સન્માનનીય દ્રષ્ટિએ જોઈ રહ્યું છે. તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અંગે બોલતા કહ્યું હતું કે, ગુજરાત આજે આ ગ્લોબલ સમિટના કારણે 'દાઓસ ઓફ ધી ઈસ્ટ' તરીકે ઓળખાવા લાગ્યું છે. દુનિયામાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો થઈ છે, પરંતુ ગુજરાત સરકારે તો મક્કમ નિર્ધાર કરીને નેસ્ત નાબૂદ કરી દીધો છે.
ટૅક્નોલૉજીના માધ્યમ દ્વારા ભ્રષ્ટાચાર ઘટ્યો છે. ટેકનોલોજી થકી લીઝની ૬૦૦થી વધુ ઓક્શન કરીને પારદર્શિતા લાવ્યા છીએ. તેમણે કહ્યું કે, બોલવાથી કંઈ થતું નથી એ માટે દ્રઢનિર્ધાર અને કામ કરવાની પ્રબળ ઈચ્છાશક્તિ જોઈએ જેના લીધે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ખેડૂતોને ૭-૧૨ અને ૮-અના ઉતારા ઓનલાઈન આપ્યા છે અને જમીનની એન.એ. પ્રક્રિયા પણ ઓનલાઇન કરીને નાગરિકના સમયની બચત થઈ છે અને પારદર્શિતા આવી છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી માટે માફી આપવા પણ ઓનલાઇન પદ્ધતિ અમલી કરી છે. જે ૨૪ કલાકમાં પ્રક્રિયા પૂર્ણ થશે.
રાજ્યમાં સ્વરોજગારીનું પ્રમાણ વધે તે માટે રાજ્ય સરકારે શોપ એક્ટના કાયદામાં ઐતિહાસિક સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. આવશ્યક ચીજવસ્તુ માટેની નાની મોટી દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહેશે એ માટેનું વિધેયક આ સત્રમાં જ લાવ્યાં છીએ. આ એ જ દર્શાવે છે કે, નાના વેપારી માટે સરકાર કેટલી ચિંતિત છે. મિનીમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સના માધ્યમથી અમારી સરકાર કાર્યરત છે. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ભરતીઓ સંપૂર્ણ પારદર્શિ બનાવી છે. ભરતી પ્રક્રિયામાં પણ પેપર ફૂટયું તો, તાત્કાલિક પરીક્ષા રદ કરીને નવેસરથી પ્રક્રિયા હાથ ધરીને હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન અને અન્યાય ન થાય તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ટેક્સ્ટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે ટેક્સ્ટાઇલ પોલીસી બનાવી છે, પ્રોત્સાહનો આપ્યા છે. જેના પરિણામે ૨૫,૦૦૦ સ્પિંડલ સ્થાપવાનો નિર્ધાર કર્યો હતો. જેની સામે રાજ્યમાં ૪૦,૦૦૦ સ્પિંડલ કાર્યરત થયા છે. ITIમાં પણ નવા અભ્યાસક્રમ અમલી કર્યાં છે અને એપ્રેન્ટિસને તાલીમ આપી છે. ૭૨ હજાર યુવાઓને તાલીમબદ્ધ કર્યા છે. ખેડૂતહિત માટે કાર્યરત વર્તમાન સરકારે ૧ લાખ ૧૬ હજારથી વધુ નવા વીજ જોડાણો આપ્યા છે. આ ઉપરાંત આવતા માર્ચ સુધીમાં માગો ત્યારે વીજ જોડાણ આપવાના લક્ષ્ય સાથે અમારી સરકાર કાર્ય કરી રહી છે. છેલ્લા બે વર્ષમાં રૂપિયા ૧૮૦૦ કરોડની સબસીડી ખેડૂતોને આપવામાં આવી છે. સૂર્ય શક્તિ કિસાન યોજના(સ્કાય) હેઠળ ઉત્પન્ન થતી દૈનિક વીજળીનું ઓનલાઈન નિરીક્ષણ પણ કરવામાં આવે છે.
પાંચ ટકાના રોકાણમાં લાખોની મૂડી બચાવી શકાય છે. તાજેતરમાં ગરીબી રેખા નીચે આવતા ૬.૫૦ લાખ કુટુંબોના વીજ બિલ માફ કરવામાં આવ્યા છે. જૂના બંધ વીજ જોડાણો માત્ર રૂપિયા ૫૦૦ ભરીને પુનઃ ચાલુ કરી શકાશે. દેશના સવર્ણોના વિકાસ માટે પ્રથમવાર ૧૦ ટકા આર્થિક અનામત આપવા બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં.