જૂનાગઢ: શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ સમય દરમિયાન કાઠીયાવાડમાં બાજરીનો રોટલો અને રીંગણનો ઓળો દેશી ભાણું આજે સ્વાદના શોખીન માટે એકમાત્ર ભોજનનો પર્યાય બની રહ્યું છે. સમગ્ર કાઠીયાવાડમાં મોટાભાગના હોટેલ રેસ્ટોરન્ટ અને નાના ધાબાઓમાં શિયાળાના ત્રણ મહિના બાજરીનો રોટલો અને રીંગણનો ઓળો સામાન્ય રીતે બનતા અને ખવાતા જોવા મળે છે. આ દરમિયાન ભવનાથમાં ખાસ બાજરીનો રોટલો અને રીંગણનો ઓળો ખાવા માટે સમગ્ર રાજ્યમાંથી લોકો આવી રહ્યા છે. કાઠીયાવાડની આ વિશેષ દેશી વાનગીને આરોગીને લોકો એકદમ ખુશખુશાલ જોવા મળે છે.
કાઠીયાવાડીનું દેશી ખાણું રીંગણનો ઓળો બાજરીનો રોટલો: કાઠીયાવાડમાં શિયાળાના ત્રણ મહિના દરમિયાન દેશી ખાણા તરીકે આજે પણ રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો સ્વાદના રસિકો માટે પહેલી પસંદ બની રહે છે. શિયાળાના આ સમય દરમિયાન જૂનાગઢના ભવનાથમાં પ્રવાસીઓ અને એડવેન્ચરના શોખીનોની ભારે ભીડ જોવા મળતી હોય છે.
ભવનાથના આ દેશી ખાણાને યાદ: આ લોકો સાંજના સમયે ભવનાથમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો આરોગીને એકદમ પ્રફુલ્લિત બની જાય છે. છેલ્લા સાત વર્ષથી અરવલ્લી જિલ્લામાંથી આવતા એડવેન્ચર રસિકો ભવનાથમાં શિયાળા દરમિયાન તેમના રોકાણના સમયે દિવસમાં એકવાર ચોક્કસ પણે ઓરો રોટલો આરોગીને ભવનાથના આ દેશી ખાણાને યાદ કરે છે.
શિયાળાની ઋતુમાં રીંગણ વિશેષ: આખા વર્ષ દરમિયાન શિયાળાની ઋતુમાં રીંગણની આવક ખુબ પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે. રીંગણને શિયાળાની ઋતુનું શાકભાજી પણ માનવામાં આવે છે. આ સમયે કાઠીયાવાડમાં 10 થી 12 જાતના રીંગણનું ખેડૂતો વાવેતર કરતા હોય છે. દેશી પદ્ધતિથી લાકડા પર રીંગણને શેકીને બનાવવામાં આવતો ઓળો સ્વાદના રસિકો માટે એક વખત આરોગવો અનિવાર્ય બની જાય છે.
ઓળના સાથે સાથે અહીં બનતો બાજરાનો રોટલો કે જે મોટે ભાગે ગુજરાતના અન્ય પ્રાંતોમાં ખૂબ ઓછો બને છે અને તેમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. પરંતુ ભવનાથમાં કુદરતના સાનિધ્યમાં બિલકુલ કુદરતી પદ્ધતિથી બનતો ઓળો અને રોટલો સ્વાદમાં અન્ય વાનગી કરતા વિશેષ બની રહે છે. જેને કારણે લોકો તમામ પ્રકારની વાનગીની વચ્ચે માત્ર ઓળો અને રોટલો આરોગી રહ્યા છે.
સ્વાદના રસિકોનો પ્રતિભાવ: ખાસ મહીસાગરથી આવેલા એડવેન્ચર ક્લબના સભ્યો કાઠીયાવાડી ઓળો અને રોટલાના ખૂબ જ વખાણ કરે છે. કુદરતના સાનિધ્યમાં બનતો અને અહીં જમીન પર બેસીને ખવાતા ઓરા રોટલાનો સ્વાદ હજુ સુધી ભવનાથની બહાર તેમણે કોઈ પણ જગ્યાએ માણ્યો નથી. તેમના ઘરે પણ ઓળો અને રોટલો બને છે, પરંતુ ભવનાથમાં જે સ્વાદ અને સોડમ મળે છે તે ઘરે પણ મળતી નથી આવો પ્રતિભાવ મહીસાગરના રાજેશભાઈએ આપ્યો હતો.
તો બીજી તરફ અરવલ્લીથી આવેલા રાજાભાઈએ જણાવતા કહ્યું કે, ભવનાથમાં બનતો ઓળો અને રોટલો ન માત્ર સ્વાદ પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. ઉપરાંત તેનો સ્વાદ ઘણા લાંબા સમય સુધી જળવાઈ છે, જેથી તેઓ દર વર્ષે માત્ર ઓળો અને રોટલો ખાવા માટે જૂનાગઢ આવે છે.
ઓળો રોટલો સહિત અન્ય કાઠીયાવાડી વાનગી: ભવનાથમાં ઓળો અને રોટલો કાઠીયાવાડી વાનગી તરીકે શિયાળામાં એકદમ લોકોના જીભ પર જાણે કે રાજ કરતું હોય છે. પરંતુ આ સિવાય કાઠીયાવાડની અન્ય વાનગીઓ જેવી કે સેવ ટામેટાનું શાક, ઊંધિયું, ભરેલા રીંગણ અને બટાકાનું શાક, કાજુ ગાંઠિયા, કાજુ લસણ, દહી તીખારી અને ગિરનારી ખીચડી પણ આટલા જ સ્વાદિષ્ટ બને છે. જેને ચાખવા માટે પણ લોકો આવતા હોય છે.
દેસી વાનગીથી વર્ષભરની કમાણી: 70 રૂપિયામાં રીંગણનો ઓળો અને 30 રૂપિયામાં બાજરીનો રોટલો આમ 100 રૂપિયામાં કોઈ પણ વ્યક્તિ ન માત્ર સ્વાદ પરંતુ ભરપેટ ભોજન આરોગી શકે છે. આ સિવાય કાજુ ગાંઠિયા 80 રૂપિયા, કાજુ લસણ 100 રૂપિયા, પાપડી ઊંધિયું 100 રૂપિયા, સેવ ટામેટા 30 રૂપિયા, પરોઠા 20 રૂપિયા અને રોટલી 10 રૂપિયાના ભાવે ભાવનાથમાં વેચાઈ રહી છે. જેને આરોગવા માટે પણ લોકો વિશેષ પ્રમાણમાં આવતા હોય છે. ભવનાથમાં શનિ-રવિના દિવસો દરમિયાન ખાવાના આ વિશેષ સ્ટોલ લાગતા હોય છે. જેમાં 15 થી 20 જેટલા સ્ટોલ ધારકો કાઠીયાવાડની આ દેશી વાનગી સ્વાદના રસિકોને પીરસે છે. જેમાંથી તેઓ પોતાના વર્ષભરની કમાણી પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: