છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે આયુર્વેદિક દવા આપતા ખેડૂતના ત્યાં નકલી ઇન્કમટેક્સની રેડ કરી 15 લાખની થયેલી છેતરપિંડી મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.
છોટાઉદેપુરમાં નકલી IT રેઈડ : બોલીવુડ ફિલ્મ સ્પેશિયલ 26 ની જેમ 26 જાન્યુઆરી, 2023 ના રોજ પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ફતેહસિંહ રાઠવા ઉર્ફે મહારાજના ત્યાં ઇન્કમટેક્સના ઓફિસરોના સ્વાંગમાં બે કાર તથા એક બાઈક લઈ માણસો આવી નકલી ઇન્કમટેક્સ રેડ કરી હતી. આરોપીઓએ તિજોરીઓ તેમજ મગફળીના ગોતામાં મુકેલા રોકડા રૂપિયા 15 લાખ લઈને ફરાર થયા હતા.
13 શખ્સોની સંડોવણી, 10 ઝડપાયા : આ સમગ્ર મામલે કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં 13 આરોપીઓની સંડોવણી બહાર આવી હતી, જે પૈકીના ફરાર આરોપી વડોદરાના એજાઝ શેખની પોલીસે ધરપકડ કરી છે. હાલ ઝડપાયેલ એજાજ શેખ પાસેથી એક લાખ રૂપિયા રિકવર કરાવાના બાકી છે. પોલીસે 13 પૈકી 10 આરોપીને ઝડપી પાડયા છે. હજુ ૩ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
સાચી રેડના વિચારને બનાવ્યો નકલી : અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવેલ ઘટનાની વાત કરીએ તો ભોગ બનનારના પરિવારજન મહેશ રાઠવા જાણતો હતો કે ફતેસિંહ પાસે મોટી માત્રામાં રોકડા રૂપિયા છે, જેથી ત્યાં સાચી રેડ પાડવા માંગતો હતો. જેને લઈ તેણે લુણાવાડાના રમેશ માલીવાળનો સંપર્ક કર્યો અને રમેશ માલીવાડે જુદા જુદા લોકોનો સંપર્ક કરી નકલી રેઇડ પાડવાનો પ્લાન ઘડી નાખ્યો હતો.
આરોપી પણ અજાણ હતો ? આ બાબતે કદવાલના PI બી. એસ. ચૌહાણે જણાવ્યું કે, હાલ ઝડપાયેલ આરોપી એજાજ શેખે પણ પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે તેણે આ રેડ સાચી હોવાનું લાગ્યું, તેનું કામ એમાં ખાલી ત્યાં જવાનું અને બહાર ઉભા રહી વોચ રાખવાનું હતું. આના માટે તેને એક લાખ રૂપિયા પણ મળ્યા હતા. જોકે, ઘટનાના બે દિવસ બાદ એજાજને ખબર પડી કે આ નકલી અધિકારીઓ હતા અને રેડ પણ નકલી હતી.