મહીસાગર: જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલયના શિક્ષકોએ નવતર પ્રયોગ કરી કોરોનાના ચેપથી બચવા આંખ, નાક અને ચહેરાનુ રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી બે શિક્ષકો એ નજીવા ખર્ચે ફેસ શિલ્ડની રચના કરી ઇનોવેટ ફોર ઇન્ડિયા ચેલેન્જ COVID-19માં પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, જેની દેશના પ્રથમ 25 પ્રોજેક્ટમાં પસંદગી થતાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
જિલ્લાની કિસાન માધ્યમિક વિદ્યાલયના વિજ્ઞાનના શિક્ષક નિરવકુમાર ત્રિવેદી અને હિતેશકુમાર પટેલને કોરોના વાઇરસથી બચવા ઇનોવેટિવ વિચાર આવ્યો.
કોઈપણ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિ જ્યારે વાત કરતો હોય, ઉધરસ ખાતો હોય કે છીંકે તો તેના મોં દ્વારા ડ્રોપલેટ્સ હવામાં પ્રસરતા હોય છે. આવા નાના-નાના ડ્રોપલેટ્સ કેટલાય સમય સુધી હવામા તરતા રહેતા હોય છે અને ત્યારબાદ તે પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે નીચે જમીન પર કે નીચે રહેલી અન્ય વસ્તું પર પડતા હોય છે. જ્યાં સુધી તે હવામાં હોય ત્યાં સુધી હવાના માધ્યમથી તે માણસના આંખ, નાક અને મોં દ્વારા વ્યક્તિના સંપર્કમાં આવતા તે વ્યક્તિને સંક્રમીત કરે છે.
જેથી પોતાના ઇનોવેટીવ વિચારને સાર્થક કરવા માટે ઘણા મનોમંથન બાદ આ શિક્ષકોએ નિષ્કર્ષ પર આવ્યા કે આંખ, નાક અને મોઢાની રક્ષા કરવી હોય તો ફેસ શિલ્ડથી ઉત્તમ ઉપાય બીજો કોઈ ન હોઈ શકે. જેથી તેમણે ફેસ શિલ્ડથી બનાવવાનું નક્કી કર્યું.
આ ફેસ શિલ્ડ બનાવવા માટે પેપર લેમિનેશન સીટ (ટ્રાન્સફરન્સી સીટ), ઇલાસ્ટિક, સ્પંચ, સોલ્યુશન વગેરેનો ઉપયોગ કરી ખૂબ સરળતાથી ફેસ શિલ્ડ બનાવી શકાય છે.
આ ફેસ શિલ્ડ બનાવવાનો માત્ર પાંચ રૂપિયા જેટલો નજીવો ખર્ચ થાય છે. તેને સેનેટાઇઝ કરી તેનો ઉપયોગ ફરીથી પણ કરી શકાય છે.
ABL એજ્યુકેશન LLP ઇનોવેટ ફોર ઇન્ડિયા ચેલેન્જ કોવિડ-19 માં આ ઇનોવેટિવ પ્રોજેક્ટ સબમીટ કર્યો હતો. તેમાં દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ પોતાના ઇનોવેટિવ આઇડિયા મુક્યા હતા, જેમાં જિલ્લાના આ શિક્ષકોનું ઇનોવેશન “ફેસ શિલ્ડ” દેશના પ્રથમ 25 ઇનોવેશનમાં પસંદગી પામ્યો છે.
ઓ.કે.સી સંકુલના પ્રમુખ મૌલિક કે.પટેલ દ્વારા શિક્ષકોને વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇનોવેશન અને નવતર પ્રયોગ માટ અભિનંદન પાઠવી પ્રોત્સાહન પૂરું પાડી સામાજિક કાર્ય માટે સાર્વજનિક કરવા માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટર આર.બી.બારડે આ નવતર અભિગમ માટે શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી જિલ્લામાં કોરોના વોરિયર્સને તેમજ જનસામાન્યને આ ઘરે બનાવી શકાય તેવો ફેસ શિલ્ડ ઉપયોગી નીવડશે તેમજ દરેક વ્યક્તિ પોતાના ઘરે બનાવીને પણ આરોગ્યના સ્વરક્ષણ હેતુ ઉપયોગ કરી શકશે તેમ જણાવ્યું હતું.
મંગળવારે આ શિક્ષકોએ કલેક્ટર કચેરીમાાં તેમના દ્વારા બનાવેલા ફેસ શિલ્ડ જિલ્લા કલેકટર આર.બી બારડને આપ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ પણ આ બન્ને શિક્ષકોને તેમના દ્વારા બનાવવામાં આવેલા ફેસ શિલ્ડને રાષ્ટ્રીય કક્ષાએ 25 મો રેન્ક અપાવવા અને જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.