અમદાવાદઃ એક તરફ અમદાવાદ કોરોના મહામારીમાં સપડાયેલું છે. બીજી તરફ હોસ્પિટલમાં અનેક વિવાદ ઉભા થઈ રહ્યાં છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાંથી એક દર્દીને કોવિડ-19 વોર્ડમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ તે ઘરે પહોંચ્યો નથી. જેથી દર્દીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, અજયસિંહ દશરથસિંહ રાજપૂત નામના 40 વર્ષીય વ્યક્તિ બીમાર પડતા 26 મે ના રોજ સિવિલ હોસ્પિટલમાં આવેલા 1200 બેડની કોવિડ-19 હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા 27 મે ના રોજ રજા આપી દેવામાં હતી.પરંતુ 27 મે થી જ દર્દીનો પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.
પરિવારે થોડા સમય બાદ રાહ જોતા 11 જૂને પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી.ત્યારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દર્દીને 27 મે સિવિલ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં છે અને દર્દી ગુમ છે. દર્દી ઘરે પણ નથી પહોંચ્યો અને ઘરવાળાનો સંપર્ક પણ થયો નથી, ત્યારે દર્દી ક્યાં ગુમ થયો છે તેને લઈને અનેક સવાલો છે.
હાલ, પોલીસે ગુમ થયેલા દર્દીની શોધખોળ શરૂ કરી છે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ માહિતી મળી નથી.