પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આપવામાં આવશે અનાજ
રાહત દરના નિયમિત જથ્થા ઉપરાંત વધારોનો જથ્થો વિનામૂલ્યે અપાશે
વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા આપવા આવી રહ્યા છે
બારડોલી : કોરોના કાળ વચ્ચે રાજયના ‘‘રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા’’ હેઠળના NFSA રેશનકાર્ડ ધારકો(અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબો)ને મે મહિના દરમિયાન રાહતદરના નિયમિત જથ્થા ઉપરાંત ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’’ અંતર્ગત વધારાના અનાજનું એટલે કે, વ્યક્તિ દીઠ 3.5 કિગ્રા. ઘઉ અને 1.5 કિ.ગ્રા.ચોખા મળી કુલ પાંચ કિ.ગ્રામ. અનાજનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત જિલ્લાના નવ તાલુકાના 169579 રેશનકાર્ડ ધારકોની 801189 જનસંખ્યાને પાંચ કિલોના અનાજ વિતરણનો વિનામૂલ્યે લાભ મળશે.
જિલ્લાના નવ તાલુકાઓમાં અપાઇ રહ્યું છે અનાજ
સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકાના 15,390 રેશનકાર્ડની 69,286 જન સંખ્યા, ઓલપાડના 22,579 રેશનકાર્ડ ધારકોની 95,924, કામરેજ તાલુકાના 15,421 રેશનકાર્ડની 80,086 જનસંખ્યા, ચોર્યાસી તાલુકાના 9068 કાર્ડધારકોની 44,851, પલસાણાના 9463 કાર્ડધારકોની 42,957, બારડોલીના 22,192 કાર્ડધારકોની 1,15,813 જનસંખ્યા, મહુવા તાલુકાની 22,778 રેશનકાર્ડ ધારકોની 102580 જનસંખ્યા, માંગરોળના 24,325 રેશનકાર્ડ ધારકોની 107432, માંડવી તાલુકાના 28363 કાર્ડધારકોની 142270 જનસંખ્યાને તેનો લાભ મળશે. અનાજ લેવા જતી વેળાએ માસ્ક પહેરવા તેમજ ખોટી ભીડ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિગનું ચુસ્તપાલન કરવાની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.