- ભરૂચના વાગરા તાલુકાનો બનાવ
- વિલાયતની બિરલા ગ્રાસીમ કંપનીના બ્લીચિંગ પ્લાન્ટમાં ભીષણ આગ
- કોઈ જાનહાનિ કે નુકશાની નહિ
ભરૂચ: વાગરા તાલુકાના વિલાયતમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીના બ્લીચિંગ પ્લાન્ટમાં મંગળવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. આગ વચ્ચે સફેદ ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ભય ફેલાયો હતો. કંપનીના 2 સહિત 4 જેટલા ફાયર ટેન્ડરો અને 20 સેફટી સ્ટાફની ટીમે પોણા કલાકમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં કોઈ જાનહાનિ કે નુકશાની નહિ થઈ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
કાચા માલ અને બેરેલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપની કોસ્ટિક સોડા અને EPOXYનું ઉત્પાદન કરે છે. મંગળવારે બપોરના સમયે બ્લીચિંગ પ્લાન્ટમાં ઉત્પાદન ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. નજીકમાં રહેલા કાચા માલ અને બેરેલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સફેદ ધુમાડાના ગોટેગોટા સાથે ભયાવહ દ્રશ્યો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી.
દૂરદુર સુધી ધુમાડા દેખાયા
આકાશમાં 40 થી 50 મીટર સુધી સફેદ ધુમાડાના ગોટે ગોટા ફેલાવા સાથે આગના ધુમાડા 3 થી 4 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા.ઘટનાની જાણ વાગરા પોલીસ, સેફટી એન્ડ ફાયર વિભાગને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આગ પર કાબુ મેળવી લેવાયો
કંપનીના જ 2 ફાયર ટેન્ડર સાથે 4 થી વધુ ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કંપની સૂત્રો તરફથી માહિતી મળી હતી કે , આગના કારણે કોઈ જાનહાનિ કે નુકશાની થઈ નથી. કંપનીના પોતાના 2 ફાયર ટેન્ડર સાથે સેફટીની 20 સ્ટાફની ટીમે આગ પર પોણા કલાકમાં કાબુ મેળવી લીધો હતો. ઓવર હિટિંગ અને પ્લાન્ટ પાસે અન્ય કચરો તેમજ પડેલા બેરલોના કારણે આગ લાગી હોવાનું હાલના તબક્કે અનુમાન લગાવ્યું હતું.
ઓવર હીટીંગના કારણે આગ લાગી હોવાનું તારણ
ફેકટરી ઇન્સ્પેકટર વાઘેલાએ જણાવ્યું હતું કે, આકરી ગરમીમાં ઓવર હિટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હાલ છે. જોકે તપાસ બાદ બ્લીચિંગ પ્લાન્ટમાં કઈ રીતે આગ લાગી તેનું કારણ બહાર આવી શકશે.