અરવલ્લી : જિલ્લાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં રોગચાળા ગુલાબી ઈયળનું પ્રમાણ જોવા મળતા આત્મા પ્રોજેક્ટ અને કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતોને મૂંઝવતા ખાતર, નીંદણ અને ગુલાબી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન, જૈવિક ખાતરોનો ઉપયોગ વગેરે જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા રીલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી ખેડૂતોને યૂ-ટ્યુબ દ્રારા ઘરે બેઠા માર્ગદર્શન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કપાસ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.જગદીશભાઇ પટેલે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટના નિયામક હિતેષ પટેલ, સહાયક નિયામક મહેશભાઈ પટેલ અને અનિલભાઈ સુવેરા ખેડૂતાના પ્રશ્નોને વાચા આપી હતી. જેમાં અરવલ્લીના 250થી વધુ ખેડૂતોએ યૂ-ટયુબના માધ્યમથી કાર્યક્રમ જોયો હતો. આ યૂ-ટ્યૂબ લાઈવ કાર્યક્રમનું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશનના ભાવેશભાઇ પટેલે અને જૂનાગઢથી હરેશભાઈ ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ખેડૂતોને ખેતી અને પશુપાલનમાં મૂંઝવતા પ્રશ્નો, બજારભાવ, હવામાન વગેરેની વિગતો જાણવા રિલાયન્સ ફાઉન્ડેશનની હેલ્પલાઇન સેવા માટે ટોલ ફ્રી નંબર 1800 419 8800 પર કોલ કરવા માટે જણાવ્યુ હતું.