લુણાવાડાઃ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીની વચ્ચે પણ વહીવટીતંત્ર દ્વારા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે તંત્ર સતત સંવેદનાસભર કાર્યવાહી કરી રહ્યું છે. જેના કારણે લાભ મેળવનાર લાભાર્થીઓને કોરોના સંકટના કપરા સમયમાં પણ કોઈ મુશ્કેલી પડી રહી નથી. તેનું ઉત્તમ ઉદાહરણ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં જોવા મળ્યું છે.
બાલાસિનોર તાલુકાના મામલતદાર વી.વી.વાળા દ્વારા મામલતદાર કચેરીમાં ગંગાસ્વરૂપ બહેનોની સહાય માટે મળેલી અરજીઓને કોરોના સંકટના સમયમાં પણ ધ્યાને લઇ અગ્રીમતાના ધોરણે તાત્કાલિક કાર્યવાહી કરી મુશ્કેલીના સમયમાં આવેલ ગંગાસ્વરૂપ બહેનોની 140 જેટલી અરજીઓની ચકાસણી કરી 124 જેટલી ગંગાસ્વરૂપ બહેનોને મામલતદાર કચેરી બાલાસિનોર ખાતેથી જ મંજૂરી પત્રો આપવામાં આવ્યા છે. જેનાથી અકાળે આવેલી મુશ્કેલીમાં ગંગાસ્વરૂપ બહેનોને સહાય મળતાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જે બહેનો કોરોના સંકટને લીધે આવી શકી ન હતી. તેમને સ્થળ પર જઇને આ મંજૂરી પત્રો આપવાનો માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે.
જે અનુસંધાને તાલુકાના પાંડવા ગ્રામ પંચાયત ખાતે કોરોના સંદર્ભની પુરતી તકેદારી રાખી મામલતદાર રૂબરૂ જઇને પાંડવા ગામની 16 જેટલી ગંગાસ્વરૂપ બહેનોને સ્થળ પર મંજૂરી પત્રો આપવામાં આવ્યા છે. તે વખતે ગામના સરપંચ વખતસિંહ ચૌહાણ તેમજ રેવન્યૂ અને પંચાયત તલાટી કમ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આમ, બાલાસિનોર તાલુકાના 140 જેટલી ગંગાસ્વરૂપ બહેનોને કોરોનાના કપરા સમયમાં પણ તંત્ર દ્વારા થયેલા સંવેદનશીલ કામગીરીને કારણે સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી.