ભારે વરસાદના પગલે બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીમાં પુર આવ્યું હતુ. બારડોલીના ઘણાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. જેથી, ઘણું નુકશાન પણ થયું હતું. બીજીતરફ બારડોલી નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ પુલની સ્થિતિ બિસ્માર થઈ ગઈ છે. પુરમાં પુલની રેલિંગ તૂટી ગઈ છે. જેથી રાહદારીઓ જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યાં છે.
છતા તંત્ર દ્વારા આ અંગે કોઈ તકેદારીના પગલાં લેવાયા નથી. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સત્તાપક્ષ જાણે આ બિસ્માર પરિસ્થિતિથી અજાણ હોય તેવો વર્તાવ કરી રહ્યો છે. વિરોધ પક્ષ અને નાગરિકો દ્વારા રજૂઆતો કરવાં છતાં સમારકામ કરવામાં આવતું નથી.
વળી, આ પુલ છ માસ અગાઉ જ બનાવાયો હતો અને પહેલાં જ ચોમાસામાં ધોવાઈ જતાં તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.