અમદાવાદ: ગુજરાતમાં મુસ્લિમ મહિલાઓ માટે કામ કરતી સંસ્થાઓમાં આમવાનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલ અમવા સંસ્થામાંથી અત્યાર સુધી હજારો મહિલાએ લાભ લીધો છે અને આત્મનિર્ભર બની છે.
આ સંસ્થાના પ્રમુખ ડૉ. પ્રો. મહેરૂન્નીસાબેન દેસાઇ એ 34 વર્ષ પહેલાં સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું નામ આજે આખા ગુજરાતમાં જાણીતું બન્યું છે. તો કેવી રીતે આ સંસ્થાની શરૂઆત થઈ ? અને આ સંસ્થા કેવી રીતે કામ કરે છે ? સંસ્થાનું લક્ષ્ય શું છે ? આ સંપૂર્ણ મુદ્દે ડૉ. પ્રો. મહેરૂન્નીસાબેન દેસાઇ સાથે etv ભારતએ ખાસ વાતચીત કરી છે.
ડૉ. પ્રો. મહેરૂન્નીસાબેન દેસાઇ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહે છે. તેમણે જુહાપુરામાં રહેતી ગરીબ અને પછાત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને મહિલા શિક્ષણ માટે ઘણી સેવાઓ આપી છે. તેમણે મહિલાઓની સમસ્યાઓ અને શિક્ષણના અભાવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન, અમવા સંગઠન (AMWA)ની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા આજે હજારો મહિલાઓ આત્મનિર્ભર બની છે.
આ સંદર્ભે ઇટીવી ભારતે ડૉ. પ્રો. મહેરૂન્નીસાબેન દેસાઇ સાથે ખાસ વાતચીત કરી હતી જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, '1991માં અમે અમવા સંસ્થાની સ્થાપનાકરી હતી. 'અમવા' એટલે કેરીનું ઝાડ. જેનું વિસ્તૃત નામ અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન, 'અમવા' છે. અમવા સંસ્થા દરેક મહિલા માટે ભેદભાવ વગર કામ કરે છે.'
સંસ્થા વિશે વધુમાં જણાવતા મહેરૂન્નીસાબેન દેસાઇએ કહ્યું કે, 'સૌ પ્રથમ અમે આ સંસ્થા દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું. પરંતુ તે સમયે મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમના બાળકોને ભણાવવા માટે તેમની પાસે પૈસા ન હતા. જેના કારણે ઘણી મહિલાઓ ઘરેલુ ઝઘડાનો ભોગ બની રહી હતી. આવી સ્થિતિમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અમે સૌ પ્રથમ સિલાઈ મશીન લાવ્યા. સ્થાનિક મહિલાઓને સિલાઈ શીખવ્યું. સિલાઈ કરીને, મહિલાઓએ પોતાનું અને પોતાના બાળકોનું ભરણપોષણ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે નાના વ્યવસાયો અને ગૃહ ઉદ્યોગ દ્વારા મહિલાઓ તેમના પગ પર ઊભી થવા લાગી. જેના માટે અમવા સંસ્થાએ બચત ગ્રુપ બનાવી જુહાપુરની મહિલાઓને મદદ કરી. હાલ હજારો મહિલાઓ તેમના ઘરેથી કામ કરવા લાગી છે અને આત્મનિર્ભર બની છે.'
તેમણે વધુમાં કહ્યું કે, 'મહિલાઓએ ક્યારેય કોઈના પર પણ નિર્ભર ન રહેતા આત્મનિર્ભર થવી જોઈએ. આ માટે અમે 'ધી મહેર ક્રેડિટ એન્ડ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ' ની શરૂઆત કરી. આજે આના થકી હજારો મહિલાઓ લોન લીધી છે અને તેમના ઘરેથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. આજે અમાવ સાથે 1200 થી વધુ મહિલાઓ જોડાયેલી છે.'
આ સંસ્થાથી લાભ લેનાર મહિલાઓ જણાવ્યું હતું કે, તેમણે અમવા પાસેથી લોન લીધી હતી અને આ લોનથી તેમણે પોતાનો નાના ધંધાઓ શરૂ કર્યા છે. અહીંથી લોન લઈને લાભાર્થીઓ ફ્રુટની લારી, છૂટક ધંધા, સિલાઈ, ઘરેલુ ધંધો શરૂ કરે છે અને આત્મનિર્ભર બને છે. ઉપરાંત અમવામાં કમ્પ્યુટર ક્લાસ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઘણા બાળકો કોમ્પ્યુટર શીખીને જોબ પર મેળવી રહ્યા છે. મુસ્લિમ તેમજ અન્ય ધર્મની મહિલાઓ સાથે મળીને અહીં કામ કરવા આવે છે. મહિલાઓને ભાગભર થવા માટે અવકાશ આપતી આ સંસ્થાની કામગીરી આજે આખા ગુજરાતમાં વખણાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ડૉ. પ્રોફે. મહેરૂન્નીસાબેન દેસાઇ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોલેજ આર.જે.ટી. કોમર્સ કોલેજમાં આંકડાશાસ્ત્ર વિભાગનાં અધ્યાપક, અધ્યક્ષ, CWDC ના કન્વીનર, વાઇસ પ્રિન્સિપાલ જેવા હોદ્દાઓ પર ફરજ બજાવી 2020માં નિવૃત્ત થયા હતા. તેમણે અત્યંત નાના ગામડામાંથી ભણતરની શરૂઆત કરી, M.com (with statistics) M.com (with costing), B.ed, M.Phil and Ph.d જેવી ડીગ્રી મેળવી છે. 1978 થી શરૂ કરી 1980 સુધી હાયર સેકન્ડરી અને 1980 થી 2020 સુધી કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી. પરંતુ આવા ઉતકૃષ કારકિર્દી બાદ તેમને તક વંચિત મુસ્લિમ બહેનોના ઉત્કર્ષ માટે કાર્યકરતી 'અમવા' સંસ્થાની શરૂઆત કરી.
આ પણ વાંચો: