આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાપી જિલ્લામાંથી અનેક વિદ્યાર્થીઓ વિવિધ ટ્રેડમાં અભ્યાસ માટે આવે છે. અલગ- અલગ ટ્રેડમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી સ્ટાઇપેન્ડની રકમ મળી ન હોવાથી તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ITIમાં અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં વિદ્યાર્થીઓએ શનિવારના રોજ અચાનક જ વર્ગખંડમાં ન જવાનો નિર્ણય કર્યો હતો.
તેઓએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી ITI પરિસરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હમારી માંગે પૂરી કરોના નારા સાથે વિદ્યાર્થીઓએ પોતાના હક્કના નાણાં આપવા માટે રજૂઆતો કરી હતી. બીજી તરફ ITI દ્વારા ચૂંટણીનું બહાનું કાઢી બચાવ કરવામાં આવ્યો હતો. ITIના ફોરમેન આર.ડી. રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, લોકસભાની ચૂંટણીને કારણે વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ મળવામાં વાર લાગી છે. તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવીથી આ મુશ્કેલી પડી રહી છે. ITI દ્વારા 30 એપ્રિલ સુધીમાં તમામ વિદ્યાર્થીઓના ખાતામાં સ્ટાઇપેન્ડની રકમ જમા થઈ જશે તેવું તેમણે જણાવ્યું હતું.